Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

અમદાવાદમાં BSNLના નિવૃત્ત કર્મચારીએ શરીરે આગ ચાંપી 5માં માળેથી મોતની છલાંગ લગાવી

પોલીસને મલયાલી ભાષામાં લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી

અમદાવાદ : બીએસએનએલના નિવૃત્ત કર્મચારીએ શરીરે આગ ચાંપી સમર્પણ ટાવર ઘાટલોડિયા ખાતેના પોતાના પાંચમાં માળે આવેલા એપાર્ટમેન્ટમાંથી મોતની છલાંગ લગાવી હતી. મૃતક બીપી અને ડાયાબીટીસની બીમારીથી પીડાતા હતાં. પોલીસને મલયાલી ભાષામાં લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સીસીટીવી ફૂટેજ અને સ્યુસાઇડ નોટનું ભાષાંતર કરાવતા મૃતકે જાતે પગલું ભર્યાનું અને તેમના મોત માટે અન્ય કોઈ જવાબદાર ન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

ઘાટલોડીયા વિસ્તારમાં જ્ઞાનજ્યોત સ્કૂલ પાસે સમર્પણ ટાવરમાં 5માં માળે રહેતાં જયપ્રકાશ પુન્દ્રીક શેખરન (ઉં,64) બીએસએનએલ ટાવર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા. હાલમાં નિવૃત જીવન વિતાવતા હતા. જયપ્રકાશના પરિવારમાં પત્ની, બે પુત્રી છે,જેમાં એક પુત્રી કેનેડામાં અને બીજી પુત્રી નરોડા કહતે લગ્ન કરી સ્થાયી થઈ છે. જયપ્રકાશ અને તેમના વૃધ્ધ પત્ની સમર્પણ ટાવરમાં રહેતાં હતાં.

બુધવારે પરોઢે 4 વાગ્યે સમર્પણ ટાવરમાં અચાનક કઈ પડવાનો ધડાકાભેર અવાજ આવ્યો હતો. સ્થાનિક લોકો સ્થળ પર એકત્ર થયા જોયું તો જયપ્રકાશભાઈ સળગતી હાલતમાં નીચે પટકાયા હતા. બનાવની જાણ પોલીસ કંટ્રોલરૂમને કરવામાં આવતા ઘાટલોડિયા પોલીસ સ્થળ પર પહોંચી હતી. સીસીટીવી અને મૃતકે લખેલી સ્યુસાઇડ નોટના આધારે પોલીસે પ્રાથમિક અનુમાન કર્યું હતું જે, મૃતકે જાતે શરીર પર આગ ચાંપી 5માં માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી છે.

(11:23 pm IST)