Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

૧૪ વર્ષથી બંધ સ્મશાન રાતોરાત શરૂ કરવામાં આવ્યું

સુરતમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ : કોરોના મહામારી ચાલી રહી છે તે દરમ્યાન ૧૦ તારીખથી જ સ્મશાનભૂમિમાં અંતિમવિધિની પ્રક્રિયા શરુ કરી દીધી

સુરત,તા.૧૩ : સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને સ્મશાનગૃહમાં લોકોને સ્વજનોની અંતિમવિધિ માટે વેઈટીંગમાં બેસવું પડી રહ્યું છે. ત્યારે લીંબાયત સ્થિત મુક્તિધામ હિંદુ સ્મશાન ભૂમિ સ્મશાન કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત પાલ સ્થિત તાપી નદીના કિનારે સ્મશાનભૂમિ બનાવવાનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.  સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. રોજના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલમાં બેડની અછતના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ સ્મશાન ભૂમિની અંદર લોકોને સ્વજનોની અંતિમવિધિ માટે પણ હવે વેઈટીગમાં બેસવાનો વારો આવી રહ્યો છે. ત્યારે સુરતમાં નવા સ્મશાનભુમી તૈયાર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

લીંબાયત સ્થિત મુક્તિધામ હિંદુ સ્મશાન ભૂમિ સ્મશાન કાર્યરત કરી દેવામાં આવ્યું છે. મુક્તિધામ હિંદુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટના પ્રમુખ સુરેશ ભાઈ એ જણાવ્યું હતું કે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તે દરમ્યાન ૧૦ તારીખથી જ સ્મશાનભૂમિમાં અંતિમવિધિની પ્રક્રિયા શરુ કરી દીધી છે. તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ૩ ભઠી પર અંતિમવિધિ થઇ રહી છે. આવતી કાલથી વધુ ૬ ભઠીઓ કાર્યરત કરાશે. 

સાથે જ તેઓએ લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ પણ કરી હતી.  સુરતના પાલ સ્થિત આવેલા તાપી નદીના કિનારે નવું સ્મશાનગૃહ બનાવવાની કામગીરી હાલ આરંભી દેવામાં આવી છે. ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિનભજીયાવાળાએ જણાવ્યું હતું કે ૨૦૦૬થી પ્લાન મંજુરીના કારણે બંધ પડી હતી. ત્યાં કામ શરુ કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટીઓ અને યુવાનો અને મનપાના સહયોગથી અહી સ્મશાનભૂમિનું નિર્માણ કાર્ય શરુ કરી છે. ભગવાનને પ્રાર્થના છે કે અહી લોકોને આવવું ન પડે તેવી પાર્થના કરી છે.

(9:48 pm IST)