Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોણ -કોને સંભાળે ? કાબૂ બહાર જતી સ્થિતી

અમદાવાદ : ૧ કલાકમાં ૫૦ એમ્બ્યુલન્સ સિવિલના દરવાજે પહોંચી

સિવિલ કેમ્પસ બહાર ૨૫ એમ્બ્યુલન્સ વારો આવે એની રાહ જોતી જોવા મળી, દર્દીઓેને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની ફરજ પડી

અમદાવાદ,તા. ૧૪: અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણની સાથે ભયાવહ બનતી જઈ રહેલી પરિસ્થિતિની વચ્ચે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ સિવિલ કેમ્પસમાં જોવા મળી રહી છે.અહીં કોણ કોને સંભાળે એવી હાલતમાં સોમવારે રાતના સમયે ફકત એક જ કલાકની અંદર ૫૦ જેટલી એમબ્યુલન્સ કોરોનાના દર્દીઓને સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા માટે કયારે વારો આવે એની રાહ જોતી ઉભી રહી હતી.ગઇ કાલે બપોરે પણ સિવિલના દરવાજા બહાર ૨૫ જેટલી એમબ્યુલન્સ દર્દીઓને લઈ  લાઈનમાં ઉભી રહેલી જોવા મળી હતી.દરમ્યાન કેટલાક દર્દીઓને તો એમબ્યુલન્સમાં જ સારવાર આપવાની ફરજ પડી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોનાના કેસની સાથે શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે રાખવામાં આવેલા બેડ ભરાઈ જતાં સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલો ઉપર ભારણ વધવા પામ્યું છે.સિવિલ કેમ્પસની હાલત હાલ એવી  જોવા મળી રહી છે કે,સવારથી લઈને રાતભર દર્દીઓને લઈને આવતી ૧૦૮ એમબ્યુલન્સ હોય કે મૃતકને લઈ જવા પહોંચતી શબવાહિની હોય એની સાયરનોથી જ કેમ્પસ ગુંજતુ રહે છે.સિવિલ કેમ્પસમાં આવેલા મેેડિસીટીમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ઉપરાંત કિડની હોસ્પિટલ, જી.સી.એસ, યુ.એન.મહેતા ઉપરાંત મંજુશ્રીમાં પણ કોવિડ પેશન્ટોને સારવાર માટે ૨૧૦૮ જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ તમામ બેડ ફૂલ થવાની તૈયારીમાં છે.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.જે.વી. મોદીના કહેવા પ્રમાણમાં હોસ્પિટલમાં એક પેશન્ટને સારવારમાંથી મુકત કરવામાં આવ્યા બાદ વોર્ડમાં કરવી પડતી કેટલીક આરોગ્ય વિષયક પ્રક્રીયાને કારણે સિવિલ કેમ્પસ બહાર એમબ્યુલન્સની લાઈન જોવા મળી રહી છે.સોમવારે રાતે એક જ કલાકમાં ૪૫થી ૫૦ એમબ્યુલન્સ વારો આવે એની રાહ જોતી ઉભી રહેી હતી.

અસારવા કેમ્પસમાં આવેલા મેડિસીટી કેમ્પસમાં ભયાવહ સ્થિતિ જોવા મળી રહી છે.જયાં એક તરફ દરવાજા બહાર કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે ૧૦૮ અમ્બ્યુલન્સ રાહ જોતી ઉભી રહેલી જોવા મળી રહી છે.ત્યાં બીજી તરફ જેમના સ્વજનનું સારવાર દરમ્યાન મરણ થયુ હોય છે.એમના સ્વજનોને સાતથી આઠ કલાકની જહેમત બાદ મૃતદેહ સોંપવામાં આવી રહ્યો છે.એક પરિવારજનના કહેવા પ્રમાણે,તેમના સ્વજનનું મરણ રાતે ૧૨.૩૦ની આસપાસ થયા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા છેક સવારે જાણ કરવામાં આવી હતી.ઉપરાંત શબવાહિની મેળવવા માટે પણ વેઈટીંગમાં રાહ જોવી પડી રહી છે.

અમદાવાદની કોઈ હોસ્પિટલમાં દર્દી સારવાર લેતો હોય અને તે ક્રીટીકલ કન્ડીશનમાં મુકાય એટલે તરત જ તેને સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યા છે.આ કારણથી હાલની પરિસ્થિતિમાં સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.આ દર્દીઓ પૈકી ૮૦ ટકા દર્દીઓ ઓકિસજનની જરૂર વાળા હોવાનું હોસ્પિટલ સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસની સાથે એમબ્યુલન્સ અને શબવાહીની મેળવવા માટે લોકોને છ કલાક સુધી રાહ જોવી પડે છે.અમદાવાદ ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,હાલ અમદાવાદ શહેરમાં ફાયર વિભાગ પાસે ૨૨ એમબ્યુલન્સ અને ૧૬ જેટલી શબવાહિની છે.શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં ચાલતી ખાનગી અમબ્યુલન્સ અને શબવાહિનીઓને જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના પેશન્ટોને સારવાર મળી રહે એ માટે ૧૪૦થી વધુ ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરી છે એ પેટર્ન મુજબ,ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓને હાયર કરવી જોઈએ જેથી લોકોને સમયસર અને વ્યાજબી દર સાથે એમ્બ્યુલન્સ કે શબવાહિની મળી રહે એવી લોકોમાં પ્રબળ માંગ ઉભી થવા પામી છે.

(10:12 am IST)