Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

અમદાવાદ કોર્પોરેશન દ્વારા વી.ઍસ., શારદાબેન અને ઍલજી હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેરઃ માત્ર કોરોના દર્દીઓની જ સારવાર કરાશે

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના દરરોજના 2200થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના એક્ટીવ કેસમાં વધારો થતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. દર્દીઓને રાખવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી. આ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય કરી વીએસ સહિતની ત્રણ હોસ્પિટલોને સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં દર્દીઓને બેડ પણ મળતા નથી, જેને કારણે દર્દીઓએ આમતેમ ભટકવુ પડે છે. AMC દ્વારા શહેરમાં બેડ વધારવા માટે અલગ અલગ પગલા ભરવામાં આવ્યા છે. જેમાં પહેલા SVP હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. હવે વીએસ હોસ્પિટલ, શારદાબેન તેમજ એલજી હોસ્પિટલને પણ સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.

અમદાવાદની આ ત્રણ હોસ્પિટલમાં ગાયનેક ઇમરજન્સી સિવાય તમામ કામગીરીને બંધ કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં હવે માત્ર કોવિડ સંક્રમિત દર્દીઓને જ દાખલ કરવામાં આવશે અને તેમની સારવાર કરવામાં આવશે. મંગળવારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી હોસ્પિટલોમાં 20 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. AMCએ 140 ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 20 ટકા બેડ રિઝર્વ કર્યા છે જેનો ખર્ચ પણ AMC દ્વારા ઉપાડવામાં આવશે.

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ

અમદાવાદમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 2251 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 411 દર્દી સ્વસ્થ થતા તેમણે ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં કોરોના મહામારીને કારણે વધુ 23 દર્દીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધવાની સાથે સાથે મૃતકઆંક પણ વધી રહ્યો છે. હોસ્પિટલો હાઉસફુલ થઇ જતા હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગેલી જોવા મળે છે.

(4:50 pm IST)