Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વેપારીઓએ લોકડાઉનમાં સાથ આપ્યો હવે સરકાર વેપારીઓને પ્રોફેશનલ ટેકસ અને જીએસટીમાં રાહત આપે

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગણી

રાજકોટ, તા. ૧૪ :. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી મીની લોકડાઉન દરમિયાન વેપારીઓએ સરકારને સાથ આપી કોરોનાને હરાવવામાં મદદ કરી છે. કપરાકાળમાં આર્થિક સમસ્યાનો સામનો કરીને પણ સરકારની સાથે રહ્યા છે ત્યારે હવે સરકારે પણ વેપારીઓ તરફ સહાનુભૂતિ ધરાવી વેપારીઓને પ્રોફેશનલ ટેકસ અને જીએસટીમાં રાહત આપવાની માગણી કરી છે.

તેમણે જણાવ્યુ છે કે માર્ચ ૨૦૨૦થી વેપારીઓ પાસેથી જે પ્રોફેશનલ ટેકસ વસુલવામાં આવ્યો છે તે સરકારના ચોપડે કર્મચારીઓની વિગતો સાથે છે. છેલ્લા એક વર્ષમાં લોકડાઉનના કારણે આ મોટાભાગના કર્મચારીઓ પૂર્ણ સમયનુ કામ કરી શકયા નથી, તો કર્મચારીઓ દીઠ ૬૦૦૦ લેખે ૬ માસની જેટલી સહાય રાજ્ય સરકારે ચૂકવવી જોઈએ.

કોરોના સમયે ૨૦૨૦માં પ્રોપર્ટી ટેકસમાં ૨૦ ટકા રાહતની જાહેરાત કરેલ પરંતુ એ ટૂંકાગાળા માટેની હોવાથી વેપારીઓના નિયમિત વેપાર શરૂ નહોતા થયા અને આર્થિક ભીડ ઓછી ન થયેલ હોવાથી મોટાભાગના વેપારીઓ આ લાભથી વંચિત રહી ગયેલા.

અમારી વિનંતી...

(૧) ગત વર્ષમાં જે લોકોને આ રાજ્ય સરકાર દ્વારા ૨૦-૨૧ના વર્ષના પ્રોપર્ટી ટેકસમાં જાહેર કરવામાં આવેલ ૨૦ ટકા રિબેટનો લાભ મળેલ નથી. તેમને તેમના ખાતામાં ક્રેડિટ આપવામાં આવે.

(૨) હાલમાં જે વિકટ પરિસ્થિતિ છે. તે માટે પણ આ નાણાકીય વર્ષ ૨૧-૨૨ પણ રાજ્ય સરકારે પ્રોપર્ટી ટેકસમાં ૩૦ ટકા જેટલી રાહત જાહેર કરવી જોઈએ. જે માટે ઓકટોબર સુધીની મુદત આપવી જોઈએ.

જીએસટી રાહત...

વેપારીઓને મોટો બોજ જે ભોગવવો પડે છે તે દુકાન-શોરૂમ ભાડાનો છે જે માટે સરકારે દરેક વેપારીઓના જીએસટી ટર્નઓવરના આંકડાઓ પરથી એમના વેપારમાં થયેલ ઘટાડાના અંદાજ મુજબ આકલન કરી જીએસટી પેમેન્ટમાં રાહત આપવી જોઈએ. મુદત વધારી આપવી જોઈએ અને આ લોકડાઉનના કારણે ભોગવેલ નાણાકીય તંગીને ધ્યાને લઈને આગામી ૧ વર્ષ સુધી કોઈ જ જાતની પેનલ્ટી અને વ્યાજમાં મુકિત આપવી જોઈએ.

તેમણે જણાવ્યુ છે કે, આપશ્રીએ વેપારીઓ સાથે ઘણા લાંબા સમયથી સીધો સંવાદ કરેલ નથી તો અમારા સંગઠન સાથે સમગ્ર રાજ્યના ફકત વેપારી સંગઠનોના અગ્રણીઓ સાથે ૧૮ તારીખ પહેલા એક વેબીનાર મીટીંગ ગોઠવવા વિનંતી છે. આથી વેપારીઓ અને સરકાર સાથે સમજદારીનો સેતુ મજબૂત થશે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી આદિત્યનાથજી અને અન્ય રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ પણ આ રીતે કોરોનાથી અસરગ્રસ્ત વેપારી સમાજની લાગણી સમજી આશ્વાસનમાં સહભાગી બન્યા છે.

આશા છે સરકાર વેપારી/ સ્વરોજગાર સમાજની મુશ્કેલીઓમાં ઉપર મુજબની રાહતથી મદદરૂપ બનશે તેમ અંતમાં જણાવ્યુ છે.

(10:03 am IST)