Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તથા કડીમાં અક્ષય તૃતીયા પર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનને કરાયો ચંદનનો કલાત્મક શણગાર

- અક્ષય તૃતીયાએ કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય નિશ્ચિતરૂપે સફળ થાય છે તેવી માન્યતા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વૈશાખ સુદ ૩ને ગુજરાતીમાં વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ અને અક્ષય તૃતીયા પણ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ત્રીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ત્રીજો દિવસ છે. આ દિવસે લોકો જે કાંઈ કામ શરૂ કરશે કે શુભકાર્ય કરશે તે કોઈ દિવસ ખૂટશે નહીં કે ખરાબ નહીં થાય. તેમજ આ દિવસ શુભકાર્ય માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે કોઈપણ કાર્ય માટે મુહૂર્ત જોવું નથી પડતું.
આજે  અક્ષય તૃતીયા છે. શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાએ બધા પાપોનો નાશ કરવા અને તમામ સુખ પ્રદાન કરવા માટે શુભ તિથિ છે. આ દિવસે કરવામાં આવેલ કોઈપણ શુભ કાર્ય નિશ્ચિતરૂપે સફળ થાય છે. તેથી, અક્ષય તૃતીયાને લગ્ન, ગૃહ પ્રવેશ, નવો ધંધો, ધાર્મિક વિધિ અને પૂજા માટે શ્રેષ્ઠ તારીખ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાને શુભ કાર્યો માટે અબુજા મુહૂર્તા તરીકે જોવામાં આવે છે. ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. માનવામાં આવે છે કે મહર્ષિ વેદ વ્યાસે અક્ષય તૃતીયાના દિવસથી જ મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. આ સાથે, સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગની શરૂઆત અક્ષય તૃતીયા સાથે કરવામાં આવી છે. અક્ષયનો અર્થ જેનો ક્યારેય ક્ષય થતો નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર ગ્રીષ્મ ઋતુ - વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહાપ્રભુ, શ્રી હરિકૃષ્ણ મહારાજને નીલકંઠવર્ણી વેશે ચંદનના વાઘાના શણગાર સજાવવામાં આવ્યા હતા.
અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે. તે અંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનને વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના પવિત્રતમ દિવસે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા પૂજનીય સંતોએ ૨૫ કિલો ચંદનમાંથી કલાત્મક વાઘા - શણગાર ધરાવવામાં આવ્યા હતા.
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે - સ્વયં શ્રી મુખવાણી વચનામૃત ગ્રંથના ગઢડા છેલ્લા પ્રકરણના ર૩ મા વચનામૃતમાં કહયું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જોઈએ. અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે. પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ચંદનના વાઘાના કલાત્મક શણગાર સજવામાં આવે છે. આ ચંદનના વાઘા એરકન્ડીશન કરતાં પણ વધુ ભગવાનને ઠંડક એટલે કે, શીતળતા આપે છે.
વૈશાખ સુદ ત્રીજ - અક્ષય તૃતીયાના પવિત્રતમ દિને ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીની રાજભોગ આરતી પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે ઉતારી હતી. પૂજનીય સંતોએ દર્શન, સ્તુતિ - પ્રાર્થના તથા કીર્તન સ્તવન કર્યું હતું. આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ કે હવે આ કોરોના મહામારીનું તોફાન શાંત થાય અને સારા વિશ્વમાં શાંતિ વર્તે. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઈવ દર્શન અને યુટયુબ ચેનલના માધ્યમથી દેશ-વિદેશમાં વસતા તમામ સત્સંગી હરીભકતોને દર્શન કરાવવામાં આવ્યાં હતાં.

(12:44 pm IST)