Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

"મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’’ અભિયાન :રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ અટકે અને નાગરિકો સુરક્ષિત થાય તે આશયથી શહેરી વિસ્તારોમાં આગામી ૧૬મી મેરવિવારથી ‘‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’’ અભિયાન હાથ ધરાશે: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિહ જાડેજા

‍મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સઘન આયોજન સંપન્ન:રાજ્ય મંત્રી મંડળના સભ્યો મહાનગર-નગરોમાં “ મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” અભિયાનનો કરાવશે પ્રારંભ

ગાંધીનગર : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ અટકે અને વધુ ને વધૂ નાગરિકો સુરક્ષિત થાય એ માટે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ ગુજરાત દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે રાજયભરમાં સંક્રમણમા ઉત્તરોત્ત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના શહેરોમાં સંક્રમણને અટકાવવા માટે શહેરોના  વિવિધ વોર્ડમાં "મારો વોર્ડ કોરોના મુક્ત વૉર્ડ"અભિયાન શરૂ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત તા.૧૬/૦૫/૨૦૨૧ (રવિવાર)ના રોજ દરેક ઇન્ચાર્જ મંત્રીઓ તેઓને સોંપેલા નગર/ મહાનગરોમાં “ મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” અભિયાનનો પ્રારંભ કરાવશે.

મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, આ અભિયાન અંતર્ગત રાજયના મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમા સંક્રમણ ઘટે અને ઓછા લોકો સંક્રમિત થાય અને સંક્રમિત દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે એ માટે હેલ્થ કેર ફેસીલીટીમાં બેડની ઉપલબતા કરાવાશે જેમાં બેડની  ઉપલબ્ધતા, કોવિડ કેર સેન્ટર અંગેની માહિતી, વેક્સીનેશન, સેનીટાઇઝેશન, ટેસ્ટીંગની સુવિધા, આઇસોલેશન માટેની સુવિધાઓનું રાજય કક્ષાએથી સીધુ મોનીટરીંગ સહિત સુચારૂ વ્યવસ્થા માટે આગોતરૂ આયોજન કરવા માટે રાજ્ય સરકારે તમામ વિભાગોને સંકલનમા રહી વ્યવસ્થાઓ ગોઠવવા માટે સૂચનાઓ આપી દીધી છે.

 મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં કોરોના સંક્રમણનો પોઝીટીવીટી રેટ ઘટે  તે માટે હેલ્થ કેર ફેસિલીટીમા સુવિધાઓનો વ્યાપ વધારાશે. કોવિડ-૧૯ના હોમ આઇસોલેશનમા રહેલા દર્દીઓથી ઘરના અન્ય સદસ્યોને સંક્રમણ થતું અટકાવવા માટે લોકભાગીદારીથી શહેરી વિસ્તારમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે.જેના અસરકારક અમલ અને મોનીટરીંગથી માટે મહાનગરપાલિકા, નગરપાલિકાના પ્રભારી,ઇન્ચાર્જ મંત્રી ,મેયર, પ્રમુખ, ડે.મેયર, ઉપપ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ,અન્ય કમિટી ચેરમેન અને અધિકારી દ્વારા ‘‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’’ માટે સહિયારા પ્રયાસો કરાશે એ માટે સંપૂર્ણ તૈયારી કરી દેવાઈ છે.

 તેમણે ઉમેર્યુ કે,‘આ અભિયાનની કામગીરી સુચારૂ રીતે થાય અને નાગરિકોને સારવાર મળી રહે એ માટે મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રીનોડલ અધિકારી નિમશે અને નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર જ નોડલ અધિકારી રહેશે. આ નોડલ અધિકારીઓ જે મહાનુભાવોને જવાબદારી સોપાઈ છે એમની સાથે જરૂરી સંકલનમા રહીને તેમની સૂચના મુજબ કામગીરી કરશે. આ માટે તમામને સૂચનાઓ આપી દેવાઈ છે.

 તેમણે કહ્યુ કે, રાજયના નગરોમા શેરીઓમા સામાન્ય લક્ષણો  ધરાવતા દર્દીઓને પ્રાથમિક સારવાર પુરી પાડવા માટે ધનવંતરી રથ અને સંજીવની રથની સેવાઓ લેવાઈ રહી છે જેના પરિણામે સંક્રમણ રોકવામા સફળતા મળી છે આ રથની સેવાઓ ની કયા વધુ જરૂરિયાત છે એ અંગેની વ્યવસ્થા માટે જે મંત્રીને જવાબદારી સોપાઈ છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલ પ્રતિનિધિઓને સાથે રાખીને કરશે.મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમા થઈ રહેલ સેનેટાઇઝેશનની કામગીરી પણ હાથ ધરાશે. ઉપરાંત ઇન્ચાર્જ મંત્રીઓ અને અન્ય પદાધિકારીઓની મુલાકાત દરમ્યાન જનભાગીદારીથી ચાલતા કોવિડ કેર સેન્ટરના વ્યવસ્થાપન અંગે પણ સમીક્ષા કરવામાં આવશે અને આ મુલાકાત દરમ્યાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલ પ્રતિનિધિઓ સાથે પણ બેઠકનું આયોજન કરાશે જેથી કરીને સ્થાનિક જરૂરિયાત મુજબ આયોજન કરી શકાય. 

  મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, ‘‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’’બને એ માટે  મહાનગરપાલિકા, નગરપાલિકાના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓએ એકબીજાના સંકલનમાં સંનિષ્ઠ પ્રયાસો કરશે. પદાધિકારી,અધિકારીઓની મુલાકાત વેળાએ  કેન્દ્ર/રાજ્ય સરકારની COVID-19 ની અદ્યતન પ્રોટોકોલની વિગતો જેવી કે, વેક્સીનેશન, આરટીપીસીઆર ટેસ્ટ ક્યારે કરાવવો, એન્ટીબાયોટીક્સનો ઉપયોગ, હોસ્પિટલાઇઝેશન ક્યારે કરાવવું, જેવી સંપૂર્ણ વિગતોથી માહિતગાર કરીને ખૂટતી વ્યવસ્થાઓનુ આયોજન કરાશે.

  વધુમાં, ચોમાસામાં અન્ય રોગચાળાનો વ્યાપ ન વધે તે માટે નગરો-મહાનગરોમાં સેનીટાઇઝેશન કરાવવામાં આવશે અને પ્રી-મોનસુન એકશન પ્લાનનો પણ દરેક ઇન્ચાર્જ મંત્રીઓ રીવ્યુ કરશે. રાજય કક્ષાએથી રોજબરોજ  સતત મોનીટરીંગ અને સંકલન થઇ શકે તે માટે  મુખ્ય કારોબારી અધિકારી અને અધિક કમિશનર, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગર કામગીરી કરશે.

 મંત્રીએ ઉમેર્યુ કે, રાજયના મહાનગરો અને નગરોના તમામ વોર્ડ ને કોરોનામુકત વોર્ડ બનાવવા માટે રાજય સરકારે જનભાગીદારી થકી જે અભિગમ અપનાવ્યો છે એ માટે સૌ નાગરિકો સ્વયં જાગૃતિ સાથે કોરોનાની ગાઈડલાઈનનુ ચુસ્ત પાલન કરશુ તો ચોકકસ આપણે આપણો વોર્ડ કોરોના મુકત બનાવી શકીશુ તેમ તેમણે ઉમેર્યુ હતું

  રાજયના મહાનગરો-નગરોમાં મારો વોર્ડ કોરોના મુ્કત વોર્ડ અભિયાન અંતર્ગત મંત્રી મંડળના સભ્યોને જવાબદારી સોપવામાં આવી છે. જે અંતર્ગત મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ તથા ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ ખાતે, શ્રી ગણપતભાઇ વસાવા તથા કુમાર કાનાણી સુરત ખાતે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તથા શહેરી ગૃહ નિર્માણ રાજય મંત્રી યોગેશભાઇ પટેલ વડોદરા ખાતે, ઉર્જા મંત્રી સૈારભભાઇ પટેલ તથા  મહિલા બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે ભાવનગર ખાતે, કૃષિમંત્રી આર.સી. ફળદુ તથા અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ ખાતે, કૃષિમંત્રી આર.સી. ફળદુ તથા અન્ન નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર ખાતે,  શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર તથા પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયા ગાંધીનગર ખાતે તથા પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા જુનાગઢ ખાતે આ અભિયાનનો પ્રારંભ કરાવનાર છે.    એજ રીતે કૃષિ મંત્રી આર.સી. ફળદુ જામનગર જિલ્લા ખાતેશિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહેસાણા તથા અમદાવાદ જિલ્લા ખાતે, મહેસુલ મંત્રી કૌશિકભાઇ  પટેલ ગાંધીનગર તથા મહીસાગર જિલ્લા ખાતે, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ બોટાદ અને મોરબી ખાતે, વન અને આદિજાતિ મંત્રી ગણપતભાઇ વસાવા તાપી અને ડાંગ ખાતે, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ અને પોરબંદર ખાતે, શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર બનાસકાંઠા અને પાટણ ખાતે, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર નવસારી ખાતે, પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયા સુરેન્દ્રનગર ખાતે, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા સોમનાથ અને જુનાગઢ ખાતે, ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા ખેડા અને અમદાવાદ ખાતેગ્રામ વિકાસ રાજય મંત્રી બચુભાઇ ખાબડ દાહોદ અને છોટા ઉદેપુર ખાતે, કૃષિ રાજય મંત્રી જયદ્દથસિંહ પરમાર પંચમહાલ અને આણંદ ખાતે, સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલ નર્મદા અને ભરૂચ ખાતે,  સામાજિક શૈક્ષિણક પછાત વર્ગોના કલ્યાણ મંત્રી વાસણભાઇ આહીર કચ્છ ખાતે, મહિલા બાળ કલ્યાણ રાજય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે ભાવનગર અને સાબરકાંઠા ખાતે, વન અને આદિજાતિ કલ્યાણ રાજય મંત્રી રમણભાઇ પાટકર અરવલ્લી અને વલસાડ ખાતે,  આરોગ્ય રાજય મંત્રી કિશોરભાઇ કાનાણી સુરત ખાતે, શહેરી ગૃહ નિર્માણ રાજય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ વડોદરા ખાતે અને અન્ન નાગરિક પુરવઠા રાજય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દેવભૂમિ દ્વારકા અને અમરેલી ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવનાર છે.

(6:40 pm IST)