Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

અમદાવાદના શાહીબાગમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો : 1.40 લાખનો દારૂ જપ્ત : એક બુટલેગરની ધરપકડ : અન્ય બુટલેગરો સહીત છ શખ્શો સામે ફરિયાદ

બાબુપુરા શ્રી સહજાનંદ ગુરુકુલ રોડ ઉપર કટિંગ થતું હતું ત્યાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં આસારવા ખાતે આવેલા બાબુપુરા શ્રી સહજાનંદ ગુરુકુલ રોડ ઉપર જાહેરમાં દારુનું કટિંગ કરનાર પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. જેમાં નામચીન બુટલેગરોની 1,090 વિદેશી દારૂની બોટલો અંદાજિત કિંમત 1.40 લાખ રૂપિયા) જપ્ત કરી છે. હાલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કુખ્યાત બુટલેગર અનુપસિંહ, જીતુ સિસોદિયા, કરણ મારવાડી સહિત 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે એક બુટલેગર વિજયની ધરપકડ કરવામાં આવી છે. Liquor Seized

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શાહીબાગ-અસારવા ખાતે આવેલા બાબુપુરા શ્રી સહજાનંદ ગુરુકુલ રોડ ઉપર શુક્રવારે વહેલી સવારે જાહેરમાં દારૂનું કટિંગ થતું હતું. આ સમયે સ્ટેટ મોનિટરીગ સેલે રેડ કરી હતી. જેમાં 1,090 દારૂની બોટલ સાથે વિજય ઠાકોર (રહે. 11 ઓરડી, પ્રભુનગર સર્કલની સામે અસારવા)ને ઝડપી પાડ્યો હતો.

આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર અનુપસિંહ ઉર્ફે મેકો ચૌહાણ(રહે. પગીવાસ, અસારવા), જીતુ ઉર્ફે જીતેન્દ્રસિંહ સિસોદિયા( રહે. નીલકંઠ મહાદેવની ચાલી, અસારવા), કરણ મારવાડી (રહે. જુલિકા પાન પાર્લરની સામે, પ્રભુનગર), ક્રેટા કારમાં લાવનાર ઉતારનાર કારીગરો અને મોકલનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. Liquor Seized

 અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે મીની લોક ડાઉન જાહેર કર્યું છે તેવામાં વેપારીઓ વેપાર નથી કરી શકતા, પરંતુ ગેરકાયદે ચાલતો દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનું નકારી શકાય તેમ નથી. શહેરમાં બેરોકટોક દારૂ આવી રહ્યો છે, ત્યારે બુટલેગરો માટે લોકડાઉન આશીર્વાદ બન્યું હોવાની શક્યતા નકારી શકાય નહીં.

(10:51 pm IST)