Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મહુવા તાલુકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો :હનુમાન ફળીયામાં એક ઘરના તમામ સભ્યો કોરોનામાં હોમાય જતા ઘરને તાળા લાગ્યા

શેખપુરમાં આરોગ્ય ટીમનું કોમ્બિંગ : તાલુકાના માત્ર પાંચ ગામોમાં જ એક મહિનામાં કોરોનાથી બિનસત્તાવાર 107 લોકોના મોત :અનેક પરિવારો વિખેરાઈ ગયા

સુરત જિલ્લાના બહુલ આદિવાસી વસ્તી ધરાવતા મહુવા તાલુકામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તાલુકાના માત્ર પાંચ ગામોમાં જ છેલ્લા એક મહિનામાં કોરોનાથી બિનસત્તાવાર આંકડા મુજબ 107 લોકોના મોત થયા છે. જ્યારે સત્તાવાર આંકડો તો એક મહિનામાં સમગ્ર તાલુકામાં માત્ર 3 જ મોત બતાવવામાં આવ્યા છે.

તાલુકા મથક મહુવાથી લગભગ 5 કિમીના અંતરે પ્રકૃતિના ખોળે વસેલા આ ગામને ન જાણે કોની નજર લાગી ગઈ કે એક જ મહિનામાં 37 લોકોના શંકાસ્પદ મોત થઈ ગયા. કાળમુખા કોરોનાની કારણે કોઈએ જુવાનજોધ દીકરો કે દીકરી ગુમાવ્યા તો કોઈ બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી પડી.

હનુમાન ફળિયાનું એક આખું પરિવાર જ કોરોનાના ખપ્પરમાં હોમાય ગયું જતા આજે ઘરને તાળું મારવાનો વખત આવ્યો છે. વકીલ એવા ગામના યુવાન મેહુલ પટેલનું 13 એપ્રિલના રોજ કોરોનાને કારણે મોત થયા બાદ દસ જ દિવસની અંદર તેમના પિતા જયંતીભાઈ અને માતા સીતાબેનને પણ કોરોના ભરખી ગયો હતો. ત્રણ સભ્યના આ પરિવારમાં હવે કોઈ બચ્યું નથી.
એટલું જ નહીં ગામમાં ચાર વર્ષ પહેલાં બીમારીમાં માતાને ગુમાવનારી બે દીકરીઓના પિતાનું પણ કોરોનાને કારણે નિધન થતા હાલ બંને દીકરીઓ કાકાની છત્રછાયામાં જીવી રહી છે.
ગામમાં અચાનક મૃત્યુની સંખ્યા વધતા જિલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ રેપીડ ટેસ્ટ, ઇમ્યુનિટી વર્ધક દવાઓ વિતરણ, વેકસીનેશન સહિત કોરોના સામે રાખવાની સાવચેતી બાબતે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિક તાલુકા પંચાયતના સભ્યોએ કોરોના આ કપરા કાળમાં ધારાસભ્ય કે સંસદ સભ્ય ફરકયા સુધ્ધા ન હોવાની રાવ કરી હતી

 

મહુવા તાલુકામાં વધતા સંક્રમણને અટકાવવા 3 ધન્વંતરિ રથની ટીમને સતત કામે લગાવવામાં આવી છે. તેમજ જે ગામોમાં કોરોનાનું સંક્રમણ વધારે છે તે તમામ ગામોમાં સર્વેની કામગીરીની સાથે સાથે ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. શેખપુર ગામમાં પણ વધતા કેસોને અટકાવવા આરોગ્યની પાંચ ટીમો દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ 2 ધન્વંતરિ ટીમ પણ ગામા ઉતારી દેવામાં આવી છે.

બારડોલી ખાતે કોવિડ કેર હોસ્પિટલોની મુલાકાતે આવેલા આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીને મહુવા તાલુકાના પાંચ ગામની પરિસ્થિતિ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત છે તેમજ સંગઠન અને સરકારની ટીમ પણ કાર્ય કરી રહી છે, મહુવા તાલુકામાં જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા સરકાર કટિબદ્ધ છે.

કોરોનાની બીજી વેવ સમગ્ર દેશમાં ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે સુરત જિલ્લામાં પણ કપરી પરિસ્થિતિ છે. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની ટીમ સતત કામ કરી રહી છે. તો બીજી તરફ મહુવા તાલુકામાં એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી પણ માગ ઉઠી છે. જેથી સમયસર દર્દીઓને સારવાર મળે તો તેમનો જીવ બચાવી શકાય.

(12:46 am IST)