Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

અમદાવાદમાં સાપ્તાહિક ટ્રાફિક ડ્રાઈવ:નિયમ ભંગ બદલ પોલીસે 9.64 લાખનો દંડ વસૂલ્યો

ટ્રાફિક ડ્રાઇવ ઝુંબેશમાં 1780 વાહન ચાલકો ચડ્યા ઝપટે : ઝોન -5 વિસ્તારમાં એક પણ કેસ ન નોંધાયો : વાહનોમાં બ્લેક ફિલમ અંગેના સૌથી વધુ કેસ

અમદાવાદ: શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છ મેથી બાર મે સુધી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમા નિયમ ભંગ બદલ 9.64 લાખ રૂપિયાનો જંગી દંડ વસુલવામા આવ્યો છે. જેમાં સૌથી વધારે કેસ ગાડી પર ગેરકાયદે બ્લેક ફિલમ લગાવનાર ચાલકોને કરી દંડ ફટકારવામાં આવ્યો છે. સાત દિવસની આ ડ્રાઈવામાં ગાડીના કાચ પર ફિલમ લગાવાના મામલે 1617 જેટલા કેસ નોંધીને 8.30 લાખનો દંડ વસુલ્યો હતો. 

અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ અને ટુ-વ્હીલરમાં સાયલેન્સ મોડીફાય કરનારા ચાલકો સામે પોલીસે કાર્યવાહીની ઝૂંબેશ યોજી હતી. આ ડ્રાઈવમાં બ્લેક ફિલમ લગાવી વાહન ચલાવવા મામલે 1617 કેસ કરવામાં આવ્યા છે જેમાં કારચાલકોને 8.30 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ ટુ-વ્હીલરમાં સાયલેન્સર મોડીફાય કરીને ધ્વની પ્રદુષણ ફેલાવતા 163  વાહનચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 1.34 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કારમાં બ્લેક ફિલ્મ રાખવાનાં સૌથી વધુ 461 કેસ અને સાયલેન્સર મોડીફાયનાં સૌથી વધુ 91 કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. આમ બ્લેક ફિલ્મ લગાવનાર અને મોડીફાઇડ સાયલન્સર ઝુંબેશમાં 1780 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

ટ્રાફિક ડ્રાઇવ ઝુંબેશમાં 1780 વાહન ચાલકો પાસેથી 9.64 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. ડ્રાઇવ દરમિયાન શહેરના પુર્વ વિસ્તારમાં નહિવત કેસ કરવામાં આવ્યા છે. નવાઈની વાત છે કે ઝોન -5 વિસ્તારમાં આવેલ અમરાઈવાડી, રામોલ,ખોખરા,ઓઢવ,ગોમતીપુર,નિકોલ અને બાપુનગર વિસ્તારમાં એક પણ કેસ કરવામાં આવ્યા નથી. જેથી પોલીસ કમિશનર આ અંગે ખુલાસો માંગે તેવી શકયતા છે.એક પણ કેસ ન થવા અંગે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.

એક સપ્તાહની ટ્રાફિક ડ્રાઇવ પૂર્ણ થઈ છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાને પગલે ફોર વ્હીલરમાં બ્લેક ફિલ્મ લગાવનાર સામે કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. કારણકે વાહનમાં બ્લેક ફિલ્મ હોવાથી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલવતી હોવાની શંકાના આધારે ટ્રાફિક ઝુંબેશ શરૂ રહેશે.

(10:51 pm IST)