Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સુરતમાં સાંજે અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલનઃ કુંવરજીભાઈની સૂચક ગેરહાજરી

અગાઉ રાષ્‍ટ્રપતિ અને સંતોની હાજરીમાં મળેલ બેઠકમાં નકિક થયા મુજબ કુંવરજીભાઈએ પાલન નથી કર્યું: અજીતભાઈ પટેલ : ૨૯મીએ વડાપ્રધાન આટકોટ આવવાના હોય વ્‍યસ્‍તતાને લીધે નથી જવાનોઃ કુંવરજીભાઈ બાવળીયા

(વિજય વસાણી દ્વારા), આટકોટ, તા.૧૪: અખિલ ભારતીય કોળી સમાજની સ્‍થાપનાને ૫૦ વર્ષ આજે પૂર્ણ થતા હોય સુરત ખાતે ગોલ્‍ડન જયુબીલીની ઉજવણીના ભાગરૂપે આજે સાંજે ૫ વાગ્‍યે કોળી સમાજનું સંમેલન મળવાનું છે ત્‍યારે કોળી સમાજના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ કુંવરજીભાઈ જુથની ગેરહાજરી સુચક બની રહી છે. જો કે હાલ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળીયા અને સુરતના અજીતભાઈ પટેલ બંને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ હોવાનું કહે છે. ત્‍યારે સમાજપણ બે બળીયાની લડાઈનો તમાશો જોઈ ચિંતા વ્‍યકત કરી રહ્યો છે.
સુરતના કામરેજ વિસ્‍તારમાં આવેલા દાદા ભગવાન દેવ મંદિર ખાતે મળી રહેલા આજના સંમેલનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને દેશભરમાંથી આગેવાનો સુરત પહોંચી ગયા છે. ત્‍યારે જ અખિલ ભારતીય કોળી સમાજના બેનર હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં કોળી સમાજના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ કુંવરજીભાઈ બાવળીયા જ આ કાર્યક્રમમાં વ્‍યસ્‍તતાનું બહાનું બતાવી હાજર ન રહેવાના હોય કોળી સમાજમાં ચર્ચા જગાવી છે.
આ અંગે રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પોતે જ હોવાાનો દાવો કરતા સુરતના ઉદ્યોગપતિ અજીતભાઈ એન. પટેલ સાથે આજે ટેલીફોનીક વાતચીતમાં તેમણે ‘‘અકિલા''ને જણાવ્‍યું હતુ કે આ સંમેલનમાં કુંવરજીભાઈ નહી હાજર રહેતો પણ સંમેલન સફળ બની રહેવાનું છે.તેમણે જણાવ્‍યુ હતું કે અગાઉ ગાંધીનગર ખાતે રાજભવન ખાતે મહામહિમ શ્રી રામનાથ કોવિંદની હાજરીમાં થયેલ સમાધાનની ફોર્મયુલાનું કુંવરજીભાઈ પાલન  કર્યું ન હતું. ફરીવાર સરખેજ ખાતે અકે ધાર્મિક જગ્‍યામાં સંતની હાજરીમાં સમાધાનની બેઠક મળી હતી. તેમાં નકિક થયા મુજબ આગળ ન વધતા અમોએ તેમની ગેરહાજરીમાં ગોલ્‍ડન જયુબીલી કાર્યક્રમનું આયોજન કર્યુ છે.
આ અંગે કુંવરજીભાઈનો ટેલીફોનીક સંપર્ક કરતા  તેમણે આ સંમેલન દક્ષિણ ગુજરાતમાં આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્‍યું. ત્‍યારે જ મે કહ્યું હતુ કે તમો ત્‍યાં ઉજવણી કરો અમો અહિં પણ ઉજવણી કરીશું.
એ ઉપરાંત આટકોટ ખાતે આગામી તા.૨૯ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ આવવાના હોય હું એમના કાર્યક્રમને લીધે સતત ગામડાના પ્રવાસમાં હોવ છું તો સમયની અનુકુળતા ન હોય જઈ શકયો નથી.
જો કે આધારભૂત સુત્રોના જણાવ્‍યા મુજબ અગાઉ સમાધાનની વાતચીતમાં નકકી એવું થયું હતું કે રાષ્‍ટ્રપતિની ઉપસ્‍થિત વાળા આ કાર્યક્રમનું કહેવાતા બંને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અજીતભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળીયા સાથે રહીને આયોજન કરશે. બાદમાં થોડા દિવસ પછી અજીતભાઈ પટેલ અધ્‍યક્ષ તરીકે રાજીનામું આપી દેશે. બાદમાં બંને જુથનાં મુખ્‍ય આગેવાનો નવી મતદાર યાદી બનાવી ફરી ચુંટણી યોજી રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બનાવશે. પરંતુ અજીતભાઇ અને તેમના જુથદ્વારા સુરતના કાર્યક્રમનું  એકલે હાથે આયોજન કરી સમાધાનમાં થયેલ વાતચીત મુજબ વર્તન ન કરતાં ફરી વિવાદો થયા છે.
જો કે હાલ બંને બળીયા જુથોની ખેચતાણમાં સમાજના અનેક લોકો નારાજ છે. અને બંને જુથ એક પંગતે બેસી સમાજના હિતો આગળ વધારે તેવી માંગણી પણ કરી  રહ્યા છે.

 

(4:40 pm IST)