Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ખેડા: પાડોશીઓ લગ્ન માટે દબાણ કરતા કંટાળીને તરુણીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો:

પાડોશીના ત્રાસથી તરુણીનો પરિવાર થોડા સમય માટે સોસાયટીમાં જ અન્ય જગ્યાએ રહેવા ચાલ્યો ગયો હતો

ખેડા: કપડવંજ ખાતે અઠવાડિયા પહેલા આપઘાત કરી લેનાર 17 વર્ષની તરુણીના કેસમાં ચાર પાડોશીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કિશોરીએ સાતમી મેના રોજ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસ તપાસમાં એવી વિગત ખુલી છે કે પાડોશીઓ તરુણીને લગ્ન માટે દબાણ કરતા હતા. આ વાતથી કંટાળીને તરુણીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે તરુણીની માતાએ પાડોશમાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ આપી છે.

માતાએ ફરિયાદમાં શું લખાવ્યું?

આ મામલે આપઘાત કરી લેનાર કિશોરીની માતાએ ફરિયાદ આપી છે કે, “2021ના વર્ષમાં ભરત મકવાણા નો દીકરો આકાશ મારી દીકરી પાછળ પડ્યો હતો. આ બાબતે મેં તેમને ઠપકો પણ આપ્યો હતો. જે તે સમયે આકાશની માતાએ એવી વાત કરી હતી કે તમારી દીકરીને અમારા દીકરા સાથે જ પરણાવવી પડશે. આવું નહીં કરો તો સુખે જીવવા નહીં દઈએ.”

મળતી માહિતી પ્રમાણે જે તે સમયે ફરિયાદી પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. બાદમાં બંને પક્ષે સમાધાન થઈ ગયું હતું. જોકે, પાડોશમાં રહેતા આકાશે કિશોરીને પરેશાન કરવાનું ચાલુ જ રાખ્યું હતું. કંટાળીને પરિવારે પોતાની દીકરીને અન્ય જગ્યાએ મોકલી આપી હતી. જોકે, એક તરફી પ્રેમમાં પાગલ આકાશે પરેશાન કરવાનું ચાલુ જ રાખતા અંતે કિશોરીએ આપઘાત કરી લીધો હતો.

 માતા ઘર બહાર ગઈ ત્યારે આપઘાત કરી લીધો

આકાશના એક તરફથી પ્રેમ અને તેના માનસિક ત્રાસથી કિશોરી એટલી ત્રાસી ગઈ હતી કે સાતમી મેના રોજ સવારે દુપટ્ટાથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલે કિશોરીની માતાએ ચાર લોકો વિરુદ્ધ કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપી છે.

 એવી પણ વિગતો મળી છે કે પાડોશીના ત્રાસથી પરિવાર થોડા સમય માટે સાસોયટીમાં જ અન્ય જગ્યાએ રહેવા ચાલ્યો ગયો હતો. જોકે, આકાશે કિશોરીને પરેશાન કરવાનું ચાલુ જ રાખ્યું હતું. આ મામલે હાલ આરપીએ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આકાશ ફેક આઈડી બનાવીને યુવતીને પરેશાન કરતો હતો.

(5:49 pm IST)