Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ગાંધીનગરમાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનામાં વધારો:નોકરી સહીત લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરતી ટોળકીને એલસીબીએ ઝડપી પાડી

ગાંધીનગર :   ઓનલાઇન છેતરપિંડીની ઘટનાએ વધી રહી છે ત્યારે નોકરી અને લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતી આ આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં ગાંધીનગર એલસીબીને સફળતા મળી છે જે અંતર્ગત મુખ્ય સુત્રધાર એવા ગાજીયાબાદના શખ્સને ઝડપી લીધો છે અને ચિલોડા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ આરોપીની પુછપરછમાં આ પ્રકારની છેતરપિંડીના વધુ ગુના ઉકેલાવાની શક્યતા પણ જોવાઇ રહી છે. હાલના ડિજીટલ યુગમાં મોબાઇલ મારફતે જ તમામ વ્યવહારો થઇ ગયા છે ત્યારે તેનો ઉપયોગ કરીને લોકોને છેતરતી ઘણી ટોળકી પણ સક્રિય થઇ છે. ત્યારે ચિલોડા પાસે રહેતા યુવાાનનો મોબાઇલ ઉપર સંપર્ક કરીને હોસ્પિટલમાં નોકરી અપાવવાની લાલચ આપી ૩૩,૫૦૦ રૃપિયા ઓનલાઇન મેળવી છેતરપિંડી આચરવામાં આવી હતી. જે ગુનાની તપાસ ગાંધીનગર એલસીબીએ શરૃ કરી હતી અને કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહને માહિતી મળી હતી કે, ગાજીયાબદની ખોડા કોલોની ખાતેથી આ ગુનો આચરવામાં આવ્યો છે. જેના પગલે એક મહિના સુધી પોલીસે ત્યાં કેમ્પ કર્યો હતો અને બાર કિલોમીટર વિસ્તારમાં દસ લાખની વસ્તીમાંથી આ ગુનાના માસ્ટર માઇન્ડ હિરાલાલ તુરંતલાલ દાસ રહે. ખોડા કોલોની ગાજીયાબાદને ઝડપી લેવાયો હતો. જેની પાસેથી સંખ્યાબંધ એટીએમ, પાનકાર્ડ સહિત ૪૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ મળી આવ્યો છે. આ આરોપીની પુછપરછ દરમિયાન ગાજીયાબાદમાં આ પ્રકારે ટોળક સક્રિય છે અને જે અલગ-અલગ પ્રકારે લાલચ આપી ઓનલાઇન રૃપિયા ટ્રાન્સફર કરી રહી છે. પોલીસે ગેંગના અન્ય સાગરિતોને પકડવા માટે પણ મથામણ શરૃ કરી છે. ગાંધીનગર ઉપરાંત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં થયેલી આ છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાવાની શક્યતા પણ જોવાઇ રહી છે. 

(6:02 pm IST)