Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પેટલાદ-સોજીત્રા તાલુકાના શિક્ષકોની સહકારી મંડળીમાં નડિયાદના શખ્સે 64.69લાખ ઉપરાંતની ઉચાપત કરતા ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી

 

આણંદ : પેટલાદ-સોજિત્રા તાલુકાના માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા નડિયાદના શખ્સે રૂા.૬૪.૬૯ લાખ ઉપરાંતની હંગામી તેમજ કાયમી ઉચાપત કરી હોવાનો બનાવ સોજિત્રા પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે ઉચાપત કરનાર શખ્શ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેટલાદ-સોજિત્રા માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના પ્રમુખ તરીકે ગત તા.૯-૭-૨૦૧૬ના રોજથી જયેશભાઈ રણછોડભાઈ પટેલે ચાર્જ સંભાળ્યો હતો. આ મંડળીમાં મંત્રી તરીકે નડીયાદના પીજ રોડ ઉપર ઘનશ્યામ નગર સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ કાંતિભાઈ પટેલ ફરજ બજાવતા હતા. આ મંડળીમાં માધ્યમિક શિક્ષકો સભાસદ બની તેઓની માસિક બચત દર મહિને મંડળીમાં જમા કરાવતા હતા અને જમા થયેલ નાણાંનો સભાસદોને લોન પેટે ધિરાણ આપવામાં આવે છે. મંડળીના તમામ ચોપડા, હિસાબી પત્રકો રાખવા અને વ્યવસ્થિત તથા નિયમિત લખવા તથા લખાવવાતથા વ્યવસ્થાપક કમિટિ ઠરાવે તે હદમાં રહીને મંડળીની સિલક રાખવી તેમજ હિસાબી રેકર્ડ તૈયાર કરી ઓડીટ સમયસર રજુ કરવુ વિગેરે કામગીરી આ મંડળીના મંત્રી ઈશ્વરભાઈ પટેલનાઓની ફરજમાં આવતી હતી. જો કે જયેશભાઈ પટેલે મંડળીના રજીસ્ટ્રર, ચેકબુક સહિતનો રેકોર્ડ ચેક કરતા તેમાં નાણાંકીય ગેરરીતિઓ હોવાનું જણાઈ આવતા તા.૧-૪-૨૦૧૬ થી તા.૩૧-૩-૨૦૨૧ સુધીનું ઓડીટ કરાવતા મંત્રી તરીકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ કાંતિભાઈ પટેલ (રહે.નડીયાદ)નાઓએ પોતાની ફરજ દરમ્યાન રૂા.૫૯,૩૦,૭૪૦ની હંગામી ઉચાપત ને રૂા.૪,૯૮,૭૬૫ની કાયમી ઉચાપત કરી હોવાનું ખુલવા પામ્યું હતું.  જે અંગે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીને અહેવાલ પાઠવતા તેમણે આ અંગે પ્રમુખને ફરિયાદ કરવાનું જણાવતા જયેશભાઈ પટેલે સોજિત્રા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:07 pm IST)