Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં વધતા છેતરપીંડીના બનાવોથી વેપારીઓ પરેશાન :ગૃહમંત્રીને વીડિયો કોન્ફરન્સથી રજૂઆત

સુરતના અલગ-અલગ વેપારીઓ પાસેથી 25 કરોડ કરતાં વધારેની રકમનું ઉઠમણું થતા વેપારીઓ ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઓફિસે પહોંચ્યા: ઉઠમણા કરનારને ઝડપી પાડવા માટે આશ્વાસન

સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં વધતા ઉઠમણાથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તાજેતરમાં ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા ઉઠમણા કરવાની ઘટના બની હતી સુરતના  અલગ-અલગ વેપારીઓ પાસેથી 25 કરોડ કરતાં વધારેની રકમનું ઉઠમણું થયું હોવાનું સામે આવતા વેપારીઓ દ્વારા ગૃહપ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરવા તેમની ઓફિસે પહોંચ્યા હતા. હર્ષ સંઘવી દ્વારા વીડિયો કોન્ફરન્સના મારફતે હાજર તમામ વેપારીઓને ઉઠમણા કરનારને ઝડપી પાડવા માટેનું આશ્વાસન આપ્યું છે.

ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં થોડા દિવસો દુકાન ભાડે રાખ્યા બાદ દલાલ મારફતે અલગ-અલગ વેપારીઓ પાસેથી માલ ઉઠાવવામાં આવ્યો હતો. સુરતના 158 કરતા વધારે વેપારીઓ સાથે સંપર્ક કરીને પહેલા વિશ્વાસ મેળવ્યો હતો. ત્યારબાદ ઉઠમણું કરીને ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં આવેલી ઓફિસને તાળા મારી દેવાયા હતા. જ્યારે વેપારીઓ દ્વારા પોતાને નીકળતી રકમ ને લેવા માટે ફોન કરવામાં આવ્યા હતા ત્યારે તેમના ફોન સ્વીચ ઓફ આવતા હતા.

રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગ્લોબલ માર્કેટના વેપારીઓ જેમણે આ ઉઠમણું કર્યું છે. તેમના જેટલા પણ ગોડાઉન છે. ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કરીને ત્યાંથી કોઈ કાપડનો માલ સગેના કરી શકે. પોલીસ કમિશનરને પણ આ સમગ્ર પ્રકરણમાં ઝડપથી તપાસ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. માર્કેટમાં વિશ્વસનીય વાતાવરણ બની રહે તેના માટે આવા ઠગ ટોળકીને ઝડપી પાડવા માટે સુરત પોલીસ સક્રીય થાય તે દિશામાં કામ કરશે પ્રકારની હૈયા ધરપત પણ આપી છે.

(9:49 pm IST)