Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

આ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જોર પકડશે

મોનસૂન ઉત્તરપ્રદેશ, જમ્મુ- કાશ્મીર અને પંજાબના ભાગોમાં પહોચ્યું: સૌરાષ્ટ્ર- ગુજરાતના ભાગોમાં ચોમાસુ રેખા પણ આગળ વધી શકે છે : સૌરાષ્ટ્ર- કચ્છ નજીક અપરએર સાયકલોનિક સરકયુલેશનના લીધે ચોમાસુ ગતિ પકડી શકે છેઃ જો કે હવામાન ખાતુ કહે છે મધ્યમ વરસાદી માહોલ રહેશે

રાજકોટઃ હાલ અસહય ઉકળાટ બફારાનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. લોકલ વાદળો કયાંક- કયાંક વરસી જાય છે. દરમિયાન વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તરપ્રદેશ, જમ્મુ- કાશ્મીર અને પંજાબના ભાગો સુધી પહોંચ્યું છે. તો સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ધીમી પડી ગયેલ પ્રિમોન્સૂન એકટીવીટી વિસ્તાર મુજબ વધઘટ સાથે જોર કરશે. ઉપરાંત સૌરાષ્ટ્ર- ગુજરાતના ભાગોમાં ચોમાસુ રેખા પણ આગળ વધી શકે છે.

વેધરની ખાનગી સંસ્થા જણાવે છે કે સૌરાષ્ટ્ર- કચ્છ નજીક ૭૦૦ એચપીએ પર એક અપરએર સાયકલોનિક સરકયુલેશનની અસરના કારણે પ્રિમોન્સૂન વેગ પકડી શકે છે. આ સપ્તાહમાં ચોમાસુ ગુજરાતના વધુ ભાગોમાં આગળ વધશે.

જયારે હવામાન ખાતુ જણાવે છે કે ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. બે થી ત્રણ દિવસમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે. મુંબઈમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના હવામાનમાં અપરએર સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે. જેથી વરસાદની શરૂઆત રાજયમાં દક્ષિણ ગુજરાતથી થઈ શકે છે.

આ અંગે હવામાન વિભાગની આગાહી આપતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ૧૮ જૂન સુધી મધ્યમ વરસાદી માહોલ રહી શકે છે. જેમાં૧૪ અને ૧૫ જૂનએ સુરત, વલસાડ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, તાપી, ડાંગ નવસારી અને દાદરા નગર હવેલી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ ૧૭ જૂન અને ત્યારબાદ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, ડાંગ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી અઠવાડિયાની શરુઆત માટે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી, એટલે કે તોફાની વરસાદ થવાની સંભાવના નહીવત છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યકત કરવામાં નથી આવી એટલે કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં અઠવાડિયાની શરૂઆતમાં વરસાદ થવાની સંભાવના ઓછી વર્તાઈ રહી છે.

(11:01 am IST)