Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

અમદાવાદમાં હનીટ્રેપના કેસમાં પીઆઇ બાદ હવે પીએસઆઇની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

પીએસઆઇની સંડોવણી હતી, એક ઉચ્ચ અધિકારીને સિફત પૂર્વક બચાવી લેવાયા હોવાની ચર્ચા : ૭ લોકોની ધરપકડ કરી

અમદાવાદ,તા.૧૪: હની ટ્રેપના કેસમાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ, વુમન હેડ કોન્સ્ટેબલ સહીત ૭ લોકોની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી હતી. બાદમાં હવે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બ્રહ્મભટ્ટની પણ સંડોવણી હોવાથી તેમની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી હતી.

શહેરમાં વેપારીઓને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરી એકાંતમાં મળવા માટે બોલાવતી ટોળકી સક્રિય બની હતી. આ ટોળકી મહિલા પોલીસ સ્ટેશનમાં વેપારીના વિરુદ્ઘમાં બળાત્કાર અને પોકસોની ખોટી અરજી કરતા હતા. બાદમાં મહિલા પોલીસના અધિકારી મળીને અરજીના સમાધાન પેટે લાખો રૂપિયા પડાવતા હતા. આ અગે લાંબા સમયે ફરિયાદ થઈ હતી. આ ગેંગના ૫ લોકો અને મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને વુમન હેડ કોન્સ્ટેબલની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી હતી.

દરમિયાન આ ગુનામાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે.બ્રહ્મભટ્ટની પણ સંડોવણી હોવાના પુરાવા મળ્યા હતા. જોકે લાંબો સમય તે ફરાર રહ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમને પીએસઆઈ જે.કેબ્રહ્મભટ્ટની પણ ધરપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હની ટ્રેપના કેસમાં મહિલા પોલીસ સ્ટેશન ચર્ચાનો વિષય રહ્યું છે પહેલા પીઆઈ પછી વુમન હેડ કોન્સ્ટેબલ અને હવે પીએસઆઈ ની સંડોવણી સામે આવી હતી. જો કે બીજા કેટલા લોકો આ ગુનાઓમાં સામેલ છે તે અંગે પણ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથધરી છે જોકે એક ઉચ્ચ અધિકારીની કથિત ભૂમિકા હોવા છતાં તેમના સામે કોઈ કાર્યવાહી કરવા આવતી નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પીએસઆઇ સ્વેતા જાડેજા જે લાંચ પ્રકરણમાં પકડાયા હતા તે પ્રકરણમાં આ અધિકારીની પણ પૂછપરછ કરાઈ હતી તેમને પણ આ પ્રકરણમાં બેસાડી દેતા તેઓ રડવા લાગ્યા હતા તેવી ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી હતી. જોકે આ કેસમાં પણ તેમની ભૂમિકા શંકાસ્પદ હોવા છતાં તેમને બચાવવા ધમપછાડા ચાલી રહ્યાની ચર્ચા છે.

(5:09 pm IST)