Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સુરતમાં ગ્રાહકના સ્વાંગમાં સોનાની ચેઇનની ચોરી કરનાર ૩ મહિલાઓ ઝડપાઇઃ પોલીસ તપાસમા ત્રણેય મહિલાઓ મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાની વતની હોવાનુ઼ ખુલ્યુ

સુરત: સુરત ના સરથાણા સ્થિત શ્યામધામ ચોક ખાતે આવેલા જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ અજાણી મહિલાઓ સ્ટાફની નજર ચૂકવી ૧ લાખની કિમતની બે સોનાની ચેઈન ચોરી કરી ફરાર થઇ ગયી હતી. આ બનાવ અંગે જવેલર્સ ના માલીકને જાણ થતા તેઓએ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી. આ બનાવમાં પોલીસે ચોરી કરનારી ત્રણેય મહિલાઓને ઝડપી પાડી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

સુરત ના સરથાણા સ્થિત આવેલી નિર્મળનગરમાં રહેતા ૩૭ વર્ષીય સંજયભાઇ હરજીભાઇ ત્રાડા સરથાણા સ્થિત શ્યામધામ ચોક પાસે માણકી જવેલર્સ ધરાવે છે. ગત ૨૮ મેં  ના રોજ તેઓની દુકાને ત્રણ અજાણી મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. અને ત્યાં કામ કરતા સ્ટાફને સોનાની ચેઈન બતાવવા કહ્યું હતું. અને બાદમાં દાગીના ગમતા નથી તેમ જણાવી ત્યાંથી ફરાર થઇ ગયી હતી. 

ગત ૨૯ મેં તારીખે જવેલર્સ ના માલિકે દાગીના તપાસતા તેમાંથી બે સોનાની ચેઈન ગાયબ હતી જેથી તેઓએ આ મામલી સ્ટાફની પૂછપરછ કરી હતી. પરંતુ સ્ટાફે કોઈ ચેઈન લીધી ન હોવાનું જણાવ્યું હતું. જેથી દુકાન માલિકે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં ગત ૨૮ મેં ના રોજ ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ ૧ લાખની કિમતની સોનાની બે ચેઈન ચોરી કરતા નજરે ચડી હતી. 

આ ઘટના બાદ જવેલર્સ માલિકે તાત્કાલિક સરથાણા પોલીસ મથકમાં અરજી આપી હતી અને ત્યારબાદ ૧૨ જુનના રોજ સરથાણા (Sarthana) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં સરથાણા પોલીસે જવેલર્સ માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. અને સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

આ બનાવમાં તપાસ કરી રહેલી પોલીસે ચોરી કરનારી ત્રણેય મહિલાઓને ઝડપી પાડી છે. પોલીસની તપાસમાં ત્રણેય મહિલાઓ મહારાષ્ટ્ર (Maharashtra) ના સોલાપુર જીલ્લાની વતની છે. અને ચોરી કરવા માટે તેઓ સુરત આવી હતી. પોલીસની પૂછપરછમાં મહિલાઓએ પોતાનું નામ જયશ્રીબેન મહેન્દ્રભાઇ પ્રતાપભાઇ શેળકે, વૈશાલીબેન ધીરજભાઇ પ્રેમચંદ પરમાર, અને ઉર્મિલાબેન  સંજયભાઇ રાજારામ ગૌડને ઝડપી પાડી હતી. 

વધુમાં જયશ્રીબેનબેનના પતિ મહેન્દ્રભાઈનું નિધન થઇ ચુક્યું છે. પોલીસે ત્રણેય મહિલાઓની ધરપકડ કરી છે. અને તેઓએ આવી રીતે અન્ય કેટલી ચોરીઓ કરી છે તે માટે તપાસ શરૂ કરી છે

(6:05 pm IST)