Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

આજથી યાત્રાધામ અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સદાવ્રતનો પ્રારંભઃ દર વર્ષે ૧૮ થી ર૦ લાખ શ્રદ્ધાળુઓને ટોકન દરે ભોજન પીરસાતું

અંબાજી: યાત્રાધામ અંબાજી માં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એક ઐતિહાસિક નિર્ણય લઈ વર્ષોથી ચાલતી અંબિકા ભોજનાલય માં આજથી 14 જૂનથી તમામ યાત્રિકો ને નિઃશુલ્ક ભોજન આપવા સદાવ્રત શરૂ કરી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ આ ભોજનાલયમાં દર વર્ષે 18 થી 20 લાખ શ્રદ્ધાળુઓને ટોકન દરે ભોજન પ્રસાદ પીરસતું હતું. 

મંદિર ટ્રસ્ટે રૂપિયા બે ના ટોકન દરે ભરપેટ ભોજન આપવાની આ વ્યવસ્થા શરૂ કરી હતી. જે આજની ભારે મોંઘવારીને કપરાકાળમાં પણ માત્ર રૂપિયા 16ના રાહત દરે ભરપેટ ભોજન યાત્રિકોને જમાડ્યું છે ને હવે જય જલિયાણ ફાઉન્ડેશન ના સહયોગથી માઇભક્તોને કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવા જઈ રહ્યું છે. જેની તમામ વ્યવસ્થાઓ સજ્જ કરી દેવામાં આવી છે. 

હાલ તબક્કે આ ભોજનાલયમાં બે ટાઈમ સવાર સાંજ સવારે 10 થી 3.30 સુધી અને સાંજે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ભક્તોને વિનામૂલ્યે ભરપેટ ભોજન પ્રસાદ જમાડવામાં આવશે. આ ભોજનાલયમાં બે વિશાળ હોલમાં યાત્રિકોને જમવાની વ્યવસ્થા કરાઈ છે.

જેમાં 400 યાત્રિકો એકસાથે જમી શકે છે. પણ કોરોના ગાઇડલાઇનને લઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે 50 ટકા લોકોને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે જોતા એક સમયની ભોજન વ્યવસ્થામાં 3500 જેટલા ભક્તો ભોજનનો લાભ લઈ શકશે.

ભોજનમાં સવારે રોટલી શાક દાળભાતને પાપડ તો સાંજે કઢી ખીચડી ભાખરી શાકને ફરસાણ પીરસવામાં આવશે. સાથે જ રવિવાર અને પૂનમે મિસ્ટાનનો પ્રસાદ પણ અપાશે. જેના માટે ખાસ કરીને યાત્રિકોના ઘસારાને પહોંચી વળવા ભોજન બનાવા માટેના ઓટોમેટિક સાધનો પણ તૈયાર કરવામાં આવ્યા છે.

જેમ વીરપુર ના જલારામ મંદિર એ સદાય સદાવ્રત ચાલે છે. તે રીતે હવે યાત્રાધામ અંબાજી માં પણ જલારામના ભક્ત એવા જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા સંચાલન કરાશે. આ ઐતિહાસિક વ્યવસ્થા આજથી 14 જૂને સૌ પ્રથમ 11 કુંવારી કન્યાઓ ને જમાડી સદાવ્રતનો શુભારંભ કરાશે. જેના માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

(6:14 pm IST)