Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

વડોદરાના અકોટા વિસ્તારમાં ચાલુ વાહને ટેમ્પાના પાછળના ભાગમાંથી 25 હજાર રોકડ ભરેલ બેગ સેરવી ત્રણ શખ્સો રફુચક્કર

વડોદરા:શહેરના અકોટા વિસ્તારમાં ચાલુ વાહને ટેમ્પોના પાછળના ભાગમાંથી રોકડા રૂપિયા 25 હજારની ચોરી કરી ત્રણ બાઇક સવાર અજાણ્યા શખ્સો નાસી છૂટયા હોવાનો બનાવ ગોત્રી પોલીસ મથકે નોંધાયો છે

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા હજી પાર્કમાં રહેતા જાવીદહુસેન શેખ ટેમ્પોમાં ફ્રુટ નો વેપાર કરે છે. ગઇકાલે તેઓ રાત્રે દસ વાગે વેપારના રોકડા રૂપિયા 25 હજાર તથા રૂપિયા 500ની કિંમત ધરાવતો મોબાઇલ ફોન ટેમ્પોના પાછળના ભાગે કેરેટમાં મૂકી પરત ઘરે જવા નીકળ્યા હતા. તે વખતે અકોટા રોડ ઉપર આવેલી તાજ હોટલની સામે ટેમ્પોના પાછળના ભાગે અવાજ આવતા તેઓ ટેમ્પો સાઈડમાં ઉભી રાખી તપાસ કરી હતી તે વખતે કેરેટમાં મૂકેલું પર્સ મળી આવ્યું ન હતું. અને તે સમયે શંકાસ્પદ બાઈક સવાર અજાણ્યા ત્રણ વ્યક્તિઓ યુ ટર્ન લઈ નાસી છૂટયા હતા. ફરિયાદીએ બાઈક સવાર વ્યક્તિઓનો મુજમહુડા સુધી પીછો કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.

વડોદરાના આજવા રોડ સહીત એકતા નગરમાં જુગાર રમતા ત્રણ પુરુષ સહીત એક મહિલાને બાપોદ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી 

વડોદરા:શહેર આજવા રોડ ઉપર એકતા નગરમાં આવેલી આંબેડકર નગર વસાહતમાં જુગાર રમતા ત્રણ પુરુષ અને ત્રણ મહિલાને બાપોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાપોદ પોલીસે ચોક્કસ બાતમીના આધારે આજવા રોડ પરના એકતાનગરમાં આવેલા આંબેડકરનગર વસાહતમાં જુગારધામ પર દરોડો પાડી જુગાર રમી રહેલી છ વ્યક્તિઓને ઝડપી પાડી હતી. જેમાં શરીફ પઠાણ( રહે- જૂની મસ્જિદ પાસે, એકતાનગર), સાહિલ શેખ ( રહે - મોરેદાદાની ગલી, એકતાનગર) , શકીના બીબી ખત્રી તથા કાજલબેન ભૈયા ( બન્ને રહે - આંબેડકર નગર,  એકતાનગર), રજીયાબાનુ શેખ તથા યુસુફમિયા શેખ (બને રહે- વુડાના મકાન , તરસાલી )નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે અંગજડતીના રોકડા 2340, જમીન દાવના રોકડા 1750 તથા પાના પત્તા મળી કુલ 4090નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(6:25 pm IST)