Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સુરતમાં અઠવાલાઈન્સમાં આવેલ વનિતા વિશ્રામને યુનિવર્સિટીનો દરજ્જો અપાયો

સુરતનો હવે શિક્ષણમાં પણ વૈશ્વિક ડંકો વાગશે : ગુજરાતની પ્રથમ મહિલા યુનિવર્સિટી

સુરતમાં અઠવાલાઈન્સ ખાતે આવેલ વનિતા વિશ્રામને એક યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે સુરતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે. એવું કહેવાય છે સુરત ખાણી પીણી માટે જાણીતું છે પણ હવે શિક્ષણમાં પણ સુરતનો ડંકો વાગશે અને તેની આગેવાની મહિલાઓ લેશેકે ગુજરાતની પ્રથમ મહિલા યુનિવર્સિટી સુરતમાં બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

1907નું વર્ષ સુરતના સામાજિક જીવનના ઈતિહાસમાં ખાસ મહત્વનું છે. સુરતની બે બહેનો શ્રીમતી બાજીગૌરી મુનસી અને શિવગૌરી ગજ્જર જે નાની વયે વિધવા થઈ હતી તેમને સમજાયું કે આવું જીવન મહિલાઓ માટે કેટલું અઘરું હોય છે. તેમના આ વિચારે સુરતમાં 115 વર્ષ પહેલાં વનિતા વિશ્રામ નામની સંસ્થાનું બીજ રોપ્યું હતું. આ બીજ આજે વટવૃક્ષ બની ગયું છે.

 સરકારે વનિતા વિશ્રામને યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે, આ યુનિવર્સિટીમાં મહિલાઓને પોતાની અનુકૂળતા અને સમય પ્રમાણે ભણતર પૂરું કરવાની છૂટ રહેશે. જે મહિલાઓ પર ઘર, પરિવાર થતાં બાળકોની જવાબદારી હોય તેવા માટે સગવડ ઉભી કરવામાં આવશે. જેમ કે એક વર્ષનો કોર્ષ હશે તો મહિલાઓ પોતાની અનુકૂળતાએ 2 વર્ષ, 5 વર્ષમાં ગમે ત્યારે પૂરું કરી શકશે.

મહિલાઓને ફ્લેકસીબીલીટી સાથે સ્વાવલંબી બનાવવા માટે એવી યુનિક વ્યવસ્થા ઉભી કરાશે, જે આજ સુધી કોઈપણ યુનિવર્સિટીમાં નથી મળી. જેમ કે કોમર્સ ભણતી વિદ્યાર્થિનીને અહીં એને લગતા અથવા એનાથી અલગ વિષયો પણ ભણવા મળી શકે છે. તે કોમર્સ સાથે મ્યુઝિક પણ ભણી શકે છે અથવા કોઈ વિષય અહીં ઉપલબ્ધ નથી તો તે બીજી યુનિવર્સિટીમાંથી તેનું શિક્ષણ લઈને એની ક્રેડિટ આ યુનિર્વર્સિટી મારફતે મળી શકશે.

 

સ્ત્રીસશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે શરૂ થનારી આ યુનિવર્સિટીમાં હવે અનેક અભ્યાસક્રમ શરૂ થશે, જે અનકન્વેશનલ સ્ટાઈલના હશે.

1. બી.એ.(અંગ્રેજી, ઈતિહાસ, મનોવિજ્ઞાન), બી.કોમ, બીબીએ, બીસીએ, બીએસસી.

2. બેચલર ઈન વોકેશન જેમાં અર્લી ચાઈલ્ડ હુડ કેર એન્ડ એજ્યુકેશન, ફેશન ડિઝાઈનિંગ, હોસ્પિટાલીટી, ટુરિઝમ મેનેજમેન્ટ

3. માઈક્રોબાયોલોજી, ન્યુટ્રિશયન એન્ડ ડાયડેટિક્સ

આ સાથે અહીં દરેક પ્રકારની લેબોરેટરીની સુવિધા હશે, જેમ કે ફેશન ડિઝાઈનિંગ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ, માઈક્રોબાયોલોજી લેબ, સાયકોલોજી લેબ

કોરોનાકાળ પહેલા 14,000 છોકરીઓ અભ્યાસ કરતી હતી. સાથે જ આ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમ કે ટેનિસ, બેડમિન્ટન, જીમ વગેરે સગવડનો પણ લાભ મળશે. વનિતા વિશ્રામ ગુજરાતની પ્રથમ અને દેશની 19માં નંબરની મહિલા યુનિવર્સિટી બનશે.

જેમાં ગ્રેજ્યુએશન, ડીગ્રી કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએશન, પાર્લર, આયુર્વેદીક, નેચરોપથી જેવા કોર્સ ભણાવવામાં આવશે. આમ ફક્ત વિચારોથી નહીં સુવિધાની દ્રષ્ટિએ પણ આગળ વધવા માટે આ યુનિવર્સિટી દોડ લગાવી રહી છે. જે મહિલાઓને અનેક રીતે ઉપયોગી નીવડશે.

(10:43 pm IST)