Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડે. કલેકટરે મને કારણ વગર છૂટો કર્યાની ગાઈડની પોલીસને અરજી

ડેપ્યુટી કલેકટર મયુર પરમાર પર ગંભીર આક્ષેપ લગાવતી કેવડિયા પોલીસને અરજી કરી : ડે ,કલેકટરે કહ્યું હું એવા કોઈ વ્યક્તિને ઓળખતો નથી

રાજપીપળા :સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્થાનિકોને રોજગારીની પ્રાથમિકતા આપવાનું ખુદ વડાપ્રધાન મોદીએ જાહેરમાં કહ્યું છે. ત્યારે લીમડી ગામના જ છેલ્લા 4 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગાઈડ તરીકે કાર્યરત યુવાનને નોકરી પરથી છૂટો કર્યો હોવાની ઘટના સામે આવી છે. છુટા કરાયેલા ગાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેકટર પર પોતાને કારણ વગર છુટો કરાયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામેના લીમડી ગામના ઉક્કડ ચંપકભાઈ તડવી છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા ડેમ પર ગાઈડ તરીકે નોકરી કરતો હતો, બાદ વર્ષ 2018 માં એને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગાઈડ તરીકે મુકાયો હતો.ઉક્કડ તડવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હમેશા વિવીઆઈપી ટ્યુરિસ્ટોને જ ગાઈડ કરતો હતો.

પરંતુ ઉક્કડ તડવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગાઈડોનું સંચાલન કરતા ડેપ્યુટી કલેકટર મયુર પરમાર પર ગંભીર આક્ષેપ લગાવતી અરજી કેવડિયા પોલીસને કરી છે.ઉક્કડ તડવીએ જણાવ્યું છે કે મેં રાજપીપળા ડાઈટ ખાતે ટ્રેનિંગ લીધા બાદ છેલ્લા 4 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગાઈડ તરીકે ફરજ બજાવું છું.ડેપ્યુટી કલેકટર મયુર પરમારે મને છેલ્લા 6 મહિનાથી કોઈ પણ પ્રકારના કારણ વગર ફરજ પરથી મુક્ત કર્યો છે, તેઓ મારી સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા છે.મેં મારી નોકરી બાબતે નર્મદા કલેકટર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય અધિકારીને પણ ભલામણ કરી છે.તે છતાં મયુર પરમાર મારા પ્રત્યે અંગત રિસ રાખે છે.

જો કે મળતી માહિતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટો પર કામ કરતા તમામ ગાઈડીની એક પરીક્ષા લેવાઈ હતી.એમા જેનું પણ પરિણામ નબળું હતું એમને છુટા કરાયા હતા.તો એમાં ઉક્કડ તડવીનો પણ સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું છે.

ગાઈડોનો હવાલો સંભાળતા ડે. કલેકટર મયુર પરમારે જણાવ્યું હતું કે હું એવા કોઈ ઉક્કડ તડવીને વ્યક્તિગત ઓળખતો નથી.અહીંયા 150 જેટલા ગાઈડ કામ કરે છે, દરેકના વ્યક્તિગત નામ હું જાણતો નથી.તમે એવું હોય તો મને ઓફીસ પર આવીને મળજો

(11:43 pm IST)