Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સાબરકાંઠાના પોશીનાના નાડા ગામમાં લોકો બિંદાસ : વરઘોડામાં કોવીડ પ્રોટોકોલના લીરેલીરા ઉડ્યા : ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ

લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા : મોંઢા પર માસ્ક પણ નહીં : સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પણ પાલન નહીં

અમદાવાદ : સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રતિબંધો બાદ લગ્ન હોય કે કોઈ સમારંભ લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. કંઈક આવો જ એક વીડિયો સાબરકાંઠા જિલ્લાના પોશીનાના નાડા ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં કોવિડ ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાબરકાંઠાના પોસીનાના નાડા ગામમાં એક લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમના મોંઢા પર માસ્ક પણ નહતું, આટલું જ નહીં તેઓ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પણ પાલન નહતા કરી રહ્યા.

ગુજરાત સરકાર દ્વારા લગ્નમાં માત્ર 50 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. આમ છતાં સામે આવેલા વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત જોવા મળી રહ્યાં છે.

છેલ્લા કેટલાક સમયમાં પોશીનાના ગામનો આ બીજો કિસ્સો છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને જાન લઈને ગયા હોય. જો કે અનેક લોકો સવાલ પણ ઉઠાવી રહ્યાં છે કે, આ પ્રકારે લોકો જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે, તો શું પોલીસને આ કાર્યક્રમો અંગે કોઈ જાણકારી નહી હોય? શું પોલીસ પણ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થવાની રાહ જોઈ રહી છે?

(11:52 pm IST)