Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

કાળઝાળ ગરમીમાં લોકોએ ભરપુર આઇસ્‍ક્રીમ આરોગ્‍યોઃ રેકોર્ડબ્રેક વેચાણઃ કંપનીઓને બખ્‍ખા

૩૦ ટકા વધુ વેચાણ નોંધાયુ

અમદાવાદ, તા.૧૪: ગુજરાતના લોકોએ આ વર્ષે સૌથી ગરમ ઉનાળો જોયો, ઉષ્‍ણતામાન લગભગ ૧૦૦ દિવસ ૪૦ ડીગ્રી ઉપર રહ્યુ હતું, આઇસ્‍ક્રીમ આમાંથી છૂટકારો અપાવવામાં મદદરૂપ રહ્યો હોય તેવુ લાગે છે. કોરોનાના કારણે બે વર્ષ ધંધો નબળો રહ્યો તેનું વળતર આ વર્ષે આઇસ્‍ક્રીમ ઉત્‍પાદકોને ૩૦ ટકા વધુ માંગ સાથે મળ્‍યુ છે.

કોરોના લહેર વખતે આઇસ્‍ક્રીમનો ધંધો સાવ તળીયે ગયો હતો પણ આ વર્ષે દેશના સૌથી મોટા આઇસ્‍ક્રીમ ઉત્‍પાદક અમુલે ગયા વર્ષની સરખામણીમાં ૩ ગણો ધંધો કર્યો છે. આ વર્ષે આઇસ્‍ક્રીમના ભાવો બે વખત વધવા છતા આઇસ્‍ક્રીમના વેચાણે પાછલા બધા રેકોર્ડ તોડી નાખ્‍યા છે. ગુજરાત કો ઓપરેટીવ મીલ્‍ક માર્કેટીંગ ફેડરેશનના એમડી આર.એસ સોઢીએ કહ્યુ કે અમે ધંધામાં આટલો ઉછાળો કયારેય નથી જોયો.

અમુલના સીઓઓ જયેન મહેતાએ કહ્યું, ગત બે વર્ષો કરતા આ વર્ષે લોકો લોકડાઉન કે પ્રતિબંધોના ભય વગર છૂટથી ફરી રહ્યા છે. આના કારણે ઘર કરતા બહારનું વેચાણ વધારે થયું. જો કે ઘરમાં પણ આઇસ્‍ક્રીમની ખપતમાં વધારે ગતિ આવી છે અને આ સેગમેન્‍ટમાં પણ વેચાણ ઓલટાઇમ હાઇ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યુ કે અમુલની ઇમ્‍પલ્‍સ કેટેગરીનું વેચાણ અત્‍યારે રોજના ૧ કરોડ પીસે પહોચ્‍યુ છે અને તે હજુ પણ વધી રહ્યુ છે.

અન્‍ય એક આઇસ્‍ક્રીમ ઉત્‍પાદક વાડીલાલનું વેચાણ ૨૦૧૯ની સરખામણીમાં ૪૦ ટકા વધ્‍યુ છે. વાડીલાલ ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડના મેનેજીંગ ડાયરેકટર રાજેશ ગાંધીએ કહ્યું કે આ વર્ષે વહેલા શરૂ થયેલ ઉનાળાએ આઇસ્‍ક્રીમના વેચાણને ગતિ આપી હતી. આ વખતે આઇસ્‍ક્રીમ ઇન્‍ડસ્‍ટ્રીમાં જે લોકોએ પોતાના ઉત્‍પાદનમાં અવનવા ટેસ્‍ટ લાવ્‍યા તેમણે સારો ધંધો કર્યો છે. આઇસ્‍ક્રીમના વધતા ભાવો એક પડકાર હતો તેમ છતા ધંધો સારો રહ્યો છે.

(10:14 am IST)