Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ભાજપ લીગલ સેલના પ્રદેશ સહ-કન્‍વીનરના હોદ્દા ઉપરથી રાજકોટના અગ્રણી એડવોકેટ દિલીપભાઇ પટેલને દુર કરાયા

અગાઉ સમરસ ગ્રુપમાંથી દુર કરાયા હતાં: બી.સી.આઇ.ના સભ્‍યપદના મુદ્દે વિવાદમાં આવેલા દિલીપભાઇને દૂર કરવા નિર્ણય લેવાયો

રાજકોટ તા. ૧૪: તાજેતરમાં બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાની મેમ્‍બરશીપના મુદ્દે વિવાદમાં આવેલા ગુજરાત બાર કાઉ.ના પુર્વ ચેરમેન રાજકોટના ભાજપના અગ્રણી એડવોકેટ અને ગુજરાત ભાજપ પ્રદેશ લીગલ સેલના સહ કન્‍વીનર દિલીપભાઇ પટેલને પાર્ટીના આદેશથી પ્રદેશ લીગલ સેલના સહ કન્‍વીનરના હોદા ઉપરથી દુર કરવામાં આવ્‍યાનું પ્રદેશ લીગલ સેલના મુખ્‍ય સંયોજક જે. જે. પટેલે જણાવ્‍યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બી.સી.આઇ.ની મેમ્‍બર શીપના મુદ્દે દિલીપભાઇ પટેલ વિવાદમાં ઘેરાયા હતાં અને તેમની ટર્મ પુરી થતી હોય તેમની જગ્‍યાએ ગુજરાત બાર કાઉ.ની મળેલ બેઠકમાં જામનગરના મનોજભાઇ અનડકટની નિયુકતી કરવામાં આવી હતી. પરંતુ દિલીપભાઇ પટેલે તેમના હોદામાંથી રાજીનામું આપેલ ન હોય આ વિવાદ વધુ ઘેરો બન્‍યો છે.
આ વિવાદના મુદ્દે અગાઉ દિલીપભાઇને બાર કાઉન્‍સીલની સમરસ પેનલમાંથી દૂર કરવામાં આવ્‍યા હતાં ત્‍યારબાદ આજે તેઓને ભાજપ પ્રદેશ લીગલ સેલના સહ કન્‍વીનરના પદ ઉપરથી પણ દુર કરવામાં આવ્‍યાનું પ્રદેશ કન્‍વીનર જે. જે. પટેલે જણાવ્‍યું હતું.
બી.સી.આઇ.ના મેમ્‍બર પદના મુદ્દે ગત તા. ર૯-પ-રર નાં રોજ ગુજરાત બાર કાઉન્‍સીલની એકસ્‍ટ્રા ઓર્ડીનરી મીટીંગ સભ્‍યપદ રદ કરવા માટે બોલાવવામાં આવી હતી.
ગુજરાત બાર કાઉન્‍સીલમાં સતત ત્રણ-ત્રણ ટર્મથી દિલીપભાઇ ચુંટાતા આવ્‍યા છે. અને છેલ્લે ગુજરાત બાર કાઉન્‍સીલ દ્વારા તેઓનું નામ બી.સી.આઇ.ના મેમ્‍બર તરીકે મોકલવામાં આવતાં છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ આ હોદ્‌ો ભોગવી રહ્યા હતાં. પરંતુ ત્‍યારબાદ તેઓના સ્‍થાને ગુજરાત બાર કાઉ. દ્વારા એકસ્‍ટ્રા ઓર્ડીનરી મીટીંગ બોલાવીને મનોજભાઇ અનડકટની નિમણુંક કરવામાં આવી હતી.

 

(11:40 am IST)