Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ગુજરાત માટે ગૌરવની બાબતઃ ઝાયડસના પંકજ પટેલની રિઝર્વ બેન્‍કના સેન્‍ટ્રલ બોર્ડમાં નિમણુંક

રિઝર્વ બેંકના સેન્‍ટ્રલ બોર્ડના નોન ઓફિશ્‍યલ ડાયરેક્‍ટર પદે નિમણુંક થઇ

નવી દિલ્‍હી તા.૧૪: ગુજરાત માટે ગૌરવ લેવા જેવા સમાચાર છે. રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ ઝાયડસના પંકજ પટેલની સેન્‍ટ્રલ બોર્ડમાં નોન ઓફિશ્‍યલ ડાયરેક્‍ટરપદે નિમણુંક કરી છે. એપોઇટમેન્‍ટ કમિટી ઓફ કેબિનેટ દ્વારા આ નિમણુંક કરવામાં આવી છે અને તે ૪ વર્ષ માટેની રહેશે. અત્રે એ નોંધનીય છે કે પંકજ પટેલ હાલ આઇઆઇએમ ઉદયપુરના ચેરમેન છે અને તેઓ આઇઆઇએમ અમદાવાદના બોર્ડ ઓફ ગર્વનન્‍સમાં પણ સભ્‍ય છે. આ ઉપરાંત તેઓ અનેકવિધ સંસ્‍થાઓમાં પ્રતિષ્‍ઠાભર્યુ સ્‍થાન શોભાવી રહ્યા છે.

અબજોપતિ બિઝનેશમેન પંકજ પટેલ દેશની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલ હેલ્‍થકેરના ચેરમેન છે. ઝાયડસના પંકજ પટેલની નિમણુંક રિઝર્વ બેન્‍ક એક્‍ટ ૧૯૩૪ની કલમ ૮(૧)(સી) હેઠળ કરવામાં આવી છે. સત્તાવાર નોટિફીકેશનની તારીખથી ૪ વર્ષના સમયગાળા માટે તેમની પાર્ટ ટાઇમ નોન ઓફિશ્‍યલ ડાયરેક્‍ટરની નિમણુંક કરવામાં આવી છે. અત્રે એ નોંધનીય છે કે તેઓ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય હેઠળના ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડના ઇન્‍વેસ્‍ટ ઇન્‍ડિયાના બોર્ડમાં પણ છે. આ અગાઉ તેઓ ફિક્કીના અધ્‍યક્ષ પણ રહી ચૂક્‍યા છે.

(3:38 pm IST)