Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ઉપરવાસમાંથી આવક થતા નર્મદા ડેમની સપાટી થઇ ૧૧૬ મીટરને પારઃ વર્ષ ચાલે તેટલો છે પાણીનો જથ્‍થો

સરદાર સરોવરમાં ૭૧૨ મિલિયન કયુબિક મીટર જેટલા પાણીનો સંગ્રહ છેઃ છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં પાણીનો જથ્‍થો ઓછો છે પરંતુ પાણી પુરતું છે

નર્મદા, તા.૧૪: રાજ્‍યમાં સત્તાવાર રીતે સોમવારે જ ચોમાસાનું આગમન થઇ ગયું છે. થોડા દિવસોથી પ્રી મોન્‍સૂનના ભાગરૂપે મોટાભાગના વિસ્‍તારોમાં વરસાદ વરસી રહ્યો હતો. ત્‍યારે હવામાન વિભાગની આગાહી પમાણે, આગામી પાંચ દિવસ સુધી રાજ્‍યમાં ભારેથી સામાન્‍ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આ બધાની વચ્‍ચે એક રાહતરૂપ સમાચાર સામે આવી રહ્યા છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૧૬.૪૬ મીટર છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરની છે. ઉપરવાસમાંથી ૩૩૨ કયૂમેક્‍સ પાણીની આવક થઇ છે.

મળતી માહિતી પમાણે, સરદાર સરોવરમાં ૭૧૨ મિલિયન કયુબિક મીટર જેટલા પાણીનો સંગ્રહ છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં પાણીનો જથ્‍થો ઓછો છે પરંતુ આ સીઝનમાં ચાલે એટલું પાણી સરદાર સરોવરમાં રહેલું છે. જો આ સીઝનમાં ૧૩૫ મીટર ઉપર જશે તો રિવરબેડ પાવર હાઉસના તમામ ટર્બાઈનો ચાલુ કરીને વીજ ઉત્‍પાદન વધારે કરી દેવામાં આવી શકે છે. જેથી લોકોને આ વખતે પાણીની અછત નહીં પડે તેવી શકયતા છે.

આ સાથે અન્‍ય એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજ્‍યમાં ૩૦ ડેમો એવા છે કે જે ૧૦૦ વર્ષ કરતાં પણ જૂના છે પરંતુ હજુ સુધી અડીખમ છે. લોકસભામાં કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલયે રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં જણાવવામાં આવ્‍યું છે કે, ગુજરાતમાં નાનામોટા થઇને ૬૩૦ ડેમો છે. જેમાંથી ૩૦ ડેમ એવા છે જેને ૧૦૦ વર્ષથી વધારે પૂર્ણ થયા છે પરંતુ તે અત્‍યારે પણ મજબૂત અને સલામત છે. તેની પાછળનું કારણ છે કે, કેન્‍દ્રીય જળ આયોગ દ્વારા ડેમોની સારસંભાળ અને જાળવળી કરવામાં આવી રહી છે. આ સાથે દેશની વાત કરીએ તો દેશમાં ૨૨૭ ડેમ એવા છે કે જેમણે ૧૦૦ વર્ષ થયા છે.

ડેમોના પુનવર્સન અને સુધારણાના કામો માટે કેન્‍દ્ર સરકાર વિશ્વ બેન્‍કથી માંડીને અન્‍ય દેશો પાસેથી ફંડ મેળવે છે. આ સાથે કેન્‍દ્ર સરકારે ડેમો માટે સુધાર પરિયોજના પણ શરૂ કરી છે. આ કામના પહેલા તબક્કામાં સાત રાજ્‍યોના કુલ ૨૨૩ ડેમોની સમીક્ષા કરીને સુધારણાના કામો હાથ ધરાયા છે. હવે બીજા તબક્કો ૧૨ ઓક્‍ટોબર, ૨૦૨૧થી શરૂ થયો છે. ત્‍યારે આમાં ગુજરાત સહિત ૧૯ રાજ્‍યોના ૭૩૬ ડેમોના સુધારણાના કામો કરવામાં આવશે. આમાં ગુજરાતના સાત ડેમોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

હવામાન વિભાગના જણાવ્‍યા પ્રમાણે, આગામી ૨૪ કલાક રાજ્‍યમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ દરમિયાન થન્‍ડરસ્‍ટોર્મ એક્‍ટિવિટી પણ જોવા મળશે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત મળશે. ૧૭મી તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્‍યમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે. હવામાન વિભાગનું એવું પણ કહેવું છે કે, આગામી ૪૮ કલાક સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્‍યના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો તે કયાંક ભારે વરસાદ પડી શકે છે.

(4:08 pm IST)