Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ભગવાન જગન્‍નાથજીની જળયાત્રા સંપન્‍નઃ ૧૫ દિવસ મોસાળમાં રહેશેઃ ૧ જુલાઈએ ૧૪૫મી રથયાત્રા

કોરોનાના લીધે બે વર્ષ બાદ ભકતો પણ જોડાયાઃ શણગારેલ બળદગાડા, હાથી અને બેન્‍ડવાજા સાથે ભૂદરના આરે ગંગાપૂજનઃ ૧૦૮ કળશમાં જળ ભરાયું

અમદાવાદ,તા.૧૪: ભગવાન જગન્‍નાથજીની ૧૪૫મી રથયાત્રા ૧ જુલાઈએ  નિકળશે. આજે જેઠ સુદ પૂનમ છે ત્‍યારે જળયાત્રા યોજાઈ હતી અને ભગવાન જગન્‍નાથજીના અતિવિશિષ્‍ટ ગજવેશ શણગારના દર્શન થયા હતા. જેના પગલે ભકતોમાં અનેરો ઉત્‍સાહ છે. ૨૪ જૂનના મામેરૂંᅠ જયારે ૧ જુલાઈના રથયાત્રા યોજાશે.

આજે સવારે ૮ કલાકે જગન્‍નાથજી મંદિરેથી શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરનાં આરે ગંગાપૂજન કરવા નિકળી હતી. પૂજન બાદ નદીએથી ૧૦૮ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્‍નાથજીની ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજલાભિષેક કરવામાં આવશે. સવારે ૮:૨૦ કલાકે ગંગાપૂજન વિધિ, સવારે ૧૦ કલાકે મહાજલાભિષેક, સવારે ૧૧ કલાકે ગજવેજ દર્શન બાદ બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બળદગાડા, હાથી અને બેન્‍ડવાજા સાથે આ જળયાત્રા યોજાઈ હતી. બે વર્ષમાં પ્રથમવાર જળયાત્રામાં ભકતો પણ જોડાયા હતા.

જળયાત્રામાં મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી, ગુરૂરામેશ્વરદાસજી, મુખ્‍ય અતિથિ તરીકે ડાકોરના મંગળપીઠાધીશ ગાદ્યાચાર્ય માધવાચાર્યજી મહારાજ અન્‍ય સાધુ સંતો તેમજ અતિથિ વિશેષ તરીકે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઈ પટેલ તથા અન્‍ય ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહયા હતા.

જળયાત્રા બાદ  ભગવાન જગન્‍નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બળદેવજી સરસપુર ખાતે ૧૫ દિવસ માટે મોસાળમાં જશે અને ત્‍યારે નિજ મંદિર ખાતે વિગ્રહના દર્શન નહીં થાય. સરસપુરના રણછોડરાયજી મંદિરના ટ્રસ્‍ટી મંડળના જણાવ્‍યા પ્રમાણે આજે સરસપુર ખાતે સાંજે ૫ કલાકે આંબેડકર હોલથી ભવ્‍ય શોભાયાત્રા સાથે ભગવાનને મોસાળમાં લાવવામાં આવશે. આગામી ૧૪ થી ૨૯ જૂન સાંજે ૫ થી ૭ વિવિધ ભકત મંડળ દ્વારા ભજન યોજાશે.

(4:12 pm IST)