Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

આજે ભગવાન જગન્‍નાથજીની જળયાત્રાનું મહત્‍વઃ એક ભક્‍તને જગન્‍નાથજીમાં ગણેશ સ્‍વરૂપના દર્શન થયા અને ત્‍યારથી એક વખત ભગવાનના ગણવેશમાં દર્શનની પરંપરા શરૂ થઇ

અષાઢી બીજ પહેલા વર્ષોથી ચાલી આવતી જળયાત્રાની પરંપરા

અમદાવાદ: જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ થાય છે. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે.

જગન્નાથ મંદિરેથી સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરા સુધીની જળયાત્રા યોજાય છે. જળયાત્રામાં ભકતોની સાથે સાથે 1 હજારથી વધુ ભગવાનના મોસાળિયાઓ પણ જોડાય છે. જેઓ ભગવાનને મામાના ઘરે લઈ જવા માટે આવે છે. સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના આરે જગન્નાથ મંદિરથી હાથી ધજા પતાકાધારી લોકો અને સંતો મહંતો શોભા યાત્રામા જોડાય છે. ત્યાં ગંગા પૂજનની વિધિ કરવામાં આવે છે.

રથયાત્રાનો પહેલા પડાવ એટલે જળયાત્રાનું મંગળવારે (14 જૂન) આજે આયોજન કરવામાં આવ્યું છે. સવારે જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન આયોજિત કરવામાં આવ્યું છે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા નિજ મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધથી કેસર સ્નાન કરાવાય છે.

જળયાત્રાની વિધી વર્ષોથી થાય છે. જળ યાત્રામાં ભૂદર નદીનાં આરે કરવામાં આવતી ગંગા પૂજનની વિધિ બાદ ત્યાંથી 108 કળશમાં ભરીને જળ લાવવામાં આવે છે અને તે જળથી અભિષેક કરીને મંદિરમાં બિરાજમાન પ્રતિમાઓનું ષોડ્ષોપચાર પૂજન વિધિ કરવામાં આવે છે, જ્યારે જળયાત્રામાં 108 ઘડાનું મહત્વ એ છે કે જેમ માળાનાં મણકા 108 હોય છે અને તે મોક્ષ અપાવામાં જેમ મદદ રૂપ થાય છે તેવી જ રીતે આ યાત્રામાં પણ 108 જેટલા નાના મોટા ઘડા રાખવામાં આવે છે.  

નોંધનીય છે કે, જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. ભગવાનનાં ગજવેશ સાથે જોડાયેલી માન્યતાની વાત કરીએ તો, જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં "ગજવેશ"નાં શણગારનાં દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળ ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થતા તેને લાગ્યું કે, આ ભગવાન નાં હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. ત્યારબાદ બપોરે મંદિરમાં ભંડારો પણ આયોજિત કરવામાં આવે છે. જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, નવરત્ન દીવડાથી પ્રભુની આરતી ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપૂરમાં પધારે છે અને તે સમયે ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી, પરંતુ તેમની તસવીરનાં દર્શન થાય છે.

(5:26 pm IST)