Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ગાંધીનગરમાં જિલ્લામાં આકાશી વીજળીથી બે ગાય સહીત એક ભેંસનું મોત

ગાંધીનગર :  રવિવારે રાત્રી દરમિયાન ગાંધીનગર જિલ્લામાં વરસાદ માહોલ દરમિયાન થયેલા વ્યાપક ગાજ વીજ ત્રણ પશુ માટે ઘાતક બન્યા હતાં. આકાશી વીજળી પડવાના કારણે બે ગાય અને એક ભેંસના કમોત નોંધાયા છે. તેમાં માણસા તાલુકાના ચરાડા ગામે ગાયનું, ધમેડા ગામે ભેંસનું તથા દહેગામ તાલુકાના વસવાડા ગામે ગાયનું મોત થવાથી પશુપાલકો ગમગીન બન્યા હતાં.

ગાંધીનગર જિલ્લામાં સોમવારે સવારે ૬ વાગ્યા સુધીમાં પુરા તથા ૨૪ કલાક દરમિયાન તો માત્ર ૧ મીલીમીટર વરસાદ નોંધાયો હતો. પરંતુ રવિવારની રાત્રે આકાશમાં જે માહોલ સર્જાયો હતો. તેના કારણે ગાંધીનગર શહેરના વસાહતીઓને તો ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડશે તેમ લાગ્યુ હતું. આકાશમાં કડાકા ભડાકા સાથે વીજળીના તેજ લીસોટા થતાં જોવામાં આવ્યા હતાં. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયાના સમાચાર સાંપડયા હતાં. પરંતુ સોમવારે જિલ્લા પશુપાલન તંત્રના ચોપડે ત્રણ પશુના મોત નોંધવામાં આવ્યા હતાં. ત્રણે પશુના આઇડી નંબર હોવાથી તેમના માલિકોને સરકારી ધારાધોરણ મુજબ સહાય ચૂકવવામાં આવશે.

જિલ્લા પંચાયતના અધિકારી સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે ચરાડા ગામના પશુપાલક મુકેશભાઇ કનૈયાલાલ પટે,ની ગાય, ધમેડા ગામના પશુપાલક નવુજી ભાખીજી ઠાકોરની ભેંસ અને વસવાડા ગામના પશુપાલક અમૃતબેન ભૂપેન્દ્રસિંહ રાઠોડની ગાયના આકાશી વીજળી પડવાના કારણે મોત થયાની નોંધ કરવામાં આવી છે.

 

(5:35 pm IST)