Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સુરતના અઠવાગેટ વિસ્તારમાં ફ્લેટનો સ્લેબ તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ

સુરત : અઠવા ગેટ ખાતે ફ્લેટમાં પીઓપી અને સ્લેબના પોપડા તૂટી પડતા લોકોમાં ગભરાટ ફલાઇ ગયો હતો. જયારે બીજા બનાવમાં આજે બપોરે વાડી ફળિયા ખાતે જુનું જર્જરિત મકાનનો પાછળ ભાગના  છતના ભાગ ધસી પડતા ભાગદોડ થઇ જવા પામી હતી.

ફાયર બ્રિગેટ પાસેથી મળેલી વિગત મુજબ અઠવાગેટ ખાતે દિવાળી બાગ સોસાયટી પાસે ઋષિ રાજ એપાર્ટમેન્ટમાં બંધ પડેલા ફ્લેટમાં આજે સવારે અચાનક પી.ઓ.પી અને સ્લેબના પોપડા તૂટી પડયા હતા. જોરદાર અવાજ આવતા આજુબાજુના લોકોમાં ગભરાટ ફેલાઇ જતા ભાગદોડ થઈ ગઈ હતી. કોલ મળતા ફાયરબ્રિગેડ પહોંચ્યું હતું. બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ ન હતી. આ એપાર્ટમેન્ટ  જર્જરિત થઈ ગયું હોવાથી પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી એમ ફાયર ઓફિસર મારૃતી સોનવણે જણાવ્યુ હતુ.

બીજા બનાવમાં વાડી ફળિયામાં આમલીરાન ખાતે સંસ્કુત પાઠ શાળા પાસે આવેલું જુનું જર્જરિત થયેલુ મકાન બંધ હાલતમાં પડેલું હતુ. જોકે આજે બપોરે આ મકાનના પાછળના ભાગે છતનો ભાગ તુટી પડયો હતો. આજુ બાજુના લોકોમાં ભાગદોડ થઇ જવા પામી હતી. આ અંગે ફાયરજવાનોને જાણ થતા ત્યાં પહોચી ગયા હતા. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ ન હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતુ.

 

(5:39 pm IST)