Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વડોદરાના છાણી દુમાડ રોડ નજીક વાહન ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ

વડોદરા: દિનપ્રતિદિન બેખોફ બનતા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. છાણી દુમાડ રોડ ખાતે નિસર્ગ હોમના ધાબે સુવા ગયેલા પરિવારના મકાનનું તાળુ તોડી અજાણ્યા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. નવાઈની વાત એ છે કે, તસ્કરો સોસાયટીના મજૂરનું બાઈક પણ ચોરી જતા ચર્ચાનો વિષય બન્યો હતો.

છાણી દુમાડ રોડ ખાતે નિસર્ગ હોમમાં રહેતા ચિન્મય પ્રજાપતિ હાલોલ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ અગાઉ પરિવારના સભ્યો મકાનના ધાબે સુવા માટે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે ઘરના પાછળના દરવાજાની જાળીનું લોક તૂટેલું જણાય આવ્યું હતું. ઘરમાં તપાસ કરતા બેડરૂમની તિજોરીમાંથી સોનાનું મંગળસૂત્ર , સોનાનું ડોકિયું , સોનાનું બ્રેસલેટ, બ્રાન્ડેડ 03 કાંડા ઘડિયાળ અને રોકડા 80 હજાર ગાયબ હોવાનું સપાટી પર આવ્યું હતું. નજીકમાં આવેલા મકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અજાણ્યા ત્રણ ઈસમો ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે ચડયા હતા. આ ઉપરાંત સોસાયટીમાં કડિયા કામ કરતા  અશ્વિનભાઈ ધાનકા ( રહે - છોટાઉદેપુર ) ની પાર્ક કરેલી મોટરસાયકલ પણ તસ્કરો ચોરી ગયા હોવાનું સીસીટીવી ફુટેજમાં જાણવા મળ્યું છે. આમ, અજાણ્યા તસ્કરો કુલ ૦૩.૦૮ લાખની ચોરી કરી નાસી છૂટતા ફરિયાદના આધારે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:40 pm IST)