Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

અમદાવાદમાં પત્નીને કારની ટક્કર મારી પતિ ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: વાસણાના રાજ્યશ રાઈઝ બિલ્ડિંગના પાર્કિંગમાં રવિવારે સવારે પત્નીને કારની ટક્કર મારી પતિ ફરાર થઇ ગયાની ઘટના બની છે. વાસણા પોલીસે ઇજાગ્રસ્ત પત્નીની ફરિયાદ આધારે પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાને સારવાર માટે ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં સોલા સિવિલ અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરાઈ હતી. ડૉક્ટરોએ ઇજાગ્રસ્ત મહિલાના હાથનું ઓપરેશન કર્યું હતું. 

નારોલના ગોમતીનગરમાં ધર્મભૂમિ બંગલોમાં રહેતી સંજના અજય ગુપ્તાએ તેના પતિ અજય શિવનાથ ગુપ્તા વિરુદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ખાનગી કંપનીમાં નોકરી કરતો પતિ પત્નીને લઈ ફરવા માટે સ્વીફ્ટ કારમાં નીકળ્યો હતો. શનિવારે વાસણા વિશાલા પાસેની રાજ્યશ બિલ્ડિંગના નવમા માળે આવેલી હોટલમાં પતિ-પત્નીએ રૂમ રાખ્યો હતો. બન્ને તે દિવસે કાંકરિયા ફરવા ગયા અને સાંજે 7 વાગ્યે હોટલના રૂમમાં રોકાયા હતા. સવારે મહેસાણા વોટર પાર્ક ફરવા જવાનું હોય રાજ્યશ બિલ્ડિંગના પાર્કિંગમાં સામાન કારમાં મૂકી રહ્યા હતા. તે દરમિયાન પતિ અજય ગુપ્તાના ફોન પર યુવતીનો ફોન આવતા તે વાત કરતો હતો. દરમિયાન પત્નીએ કોણો ફોન છે? તેવો સવાલ કરતા પતિએ ફોન કાપી પત્નીને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. વિફરેલો પતિ ગાડીમાં બેસી ફુલસ્પીડમાં કાર ચલાવી પત્નીને ટક્કર મારી નીચે પાડી નીકળી ગયો હતો. બનાવને પગલે સંજનાને હાથ, પગ અને શરીરે ઈજાઓ થઈ હતી. 

(5:41 pm IST)