Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સી.આર.પાટીલની હાજરીમાં વડોદરાના મેયર અને ધારાસભ્ય યોગેશ પટેલ આમને- સામને

વડાપ્રધાન મોદીની સભા અંગેની તૈયારીઓની સમીક્ષા બેઠકમાં સિંધરોટ પાણીનો મુદ્દો ઉળળ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન મોદીના ગુજરાતના આંટા-ફેરા વધી ગયા છે. ત્યારે વડાપ્રધાન 18મી જૂને વડોદરાની મુલાકાત લેવાના છે. તેના લીધે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં વડાપ્રધાન મોદીની સભા અંગેની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમા સિંધરોટ પાણીનો મુદ્દો ઉળળ્યો હતો. સમીક્ષા બેઠકમાં વડોદરાના મેયર અને ધારાસભ્ય યોગેશ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી.

વડોદરામાં પીએમ મોદીની સભા અંગેની તૈયારીઓની સમીક્ષા બેઠકમાં પાટિલની હાજરીમાં સિંધરોટ પાણીનો મુદ્દો ઉછળ્યો હતો. બેઠકમાં મેયર કેયુર રોકડિયાએ સિંધરોટનું 30 એમએલડી પાણી દક્ષિણ ઝોનને આપવાની વાત કરતાં જ ધારાસભ્ય યોગેશ પટેલ ભડક્યા. યોગેશ પટેલે મેયરને જણાવ્યું કે માંજલપુરને 50 એમએલડી પાણી મળવું જ જોઇએ. જો પાણી નહીં મળે તો સ્થાનિક લોકોને સાથે રાખીને જનઆંદોલન કરવામાં આવશે.

મેયર અને ધારાસભ્ય આમને સામને આવી જતાં બેઠકમાં ઉપસ્થિત અન્ય નેતાઓ અને હોદ્દેદારો પણ સ્તબ્ધ થઇ ગયા. મામલાને આગળ વધતો જોઇ શહેર પ્રમુખ વિજય શાહે આગામી દિવસોમાં ચર્ચા કરીને નિર્ણય લઈશું તેમ જણાવી વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો. યોગેશ પટેલે જણાવ્યું કે આ પાણી માટે પ્રોજેક્ટની મંજૂરી સહિતની કામગીરી તેમણે કરાવી છે અને હવે જ્યારે પાણી મળવાનું છે ત્યારે મેયર 30 એમએલડી જ પાણી આપવાની વાત કરે છે. બીજી તરફ મેયરે જણાવ્યું કે હાલમાં દક્ષિણમાં 90 એમએલડી પાણી અપાય છે અને હવે સિંધરોટનું 50 એમએલડી પાણી મળી કુલ 140 એમએલડી પાણી અપાશે.

(9:38 pm IST)