Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વડોદરાના છાણી વિસ્તારની એક સ્કૂલમાં ફી વગર શિક્ષણ : એકપણ રૂપિયો લેવાતી નથી : એડમિશન માટે પડાપડી

સ્કૂલમાં કોમ્પ્યુટર લેબથી લઇને લાઇબ્રેરી અને રમતગમતનું વિશાળ મેદાન: ધોરણ -1 થી જ કોમ્પ્યુટર શિક્ષણ : સ્કૂલમાં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા પણ વધુ

 વડોદરાના છાણી વિસ્તારમાં એવી પણ ગ્રાન્ડેટ સ્કૂલ છે, જેમાં એડમિશન માટે પડાપડી થાય છે. એટલું જ નહીં, આ સ્કૂલમાં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા પણ વધુ છે, સાથે જ વિદ્યાર્થીઓ પાસેથી એકપણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. જ્યારે સ્કૂલમાં કોમ્પ્યુટર લેબથી લઇને લાઇબ્રેરી અને રમતગમતનું વિશાળ મેદાન છે. સ્કૂલે ફીનો વિકલ્પ સ્વીકાર્યો નથી. એક રૂપિયો ફી લેવામાં આવતી નથી.

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી ગંગાબાઈ સાર્વજનિક હાઇસ્કૂલના આચાર્ય અમૃતલાલ પટેલે જણાવ્યું હતું કે સ્કૂલમાં પહેલા ધોરણથી જ કોમ્પ્યુટર વિષય ભણાવવામાં આવે છે. આ માટે સરકાર દ્વારા ફરજિયાત માસિક 50 રૂપિયા જ ફી લેવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. તેથી મહિને વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટર માટે 50 રૂપિયા જેવી નજીવી ફી લેવામાં આવે છે. દિવાળી અને ઉનાળું વેકેશનમાં કોમ્પ્યુટર ફી લેવામાં આવતી નથી. અમારી સ્કૂલમાં ધોરણ 1થી 8ના બબ્બે વર્ગ છે. ધોરણ 9ના પાંચ વર્ગ છે અને ધોરણ 10ના ચાર વર્ગ છે. જ્યારે ધોરણ 11 અને 12માં આર્ટ્સ-કોમર્સના બબ્બે વર્ગ છે.

આચાર્યએ આગળ જણાવ્યું હતું કે ધોરણ 1થી 8માં બબ્બે વર્ગ છે. દરેક વર્ગમાં 60 વિદ્યાથી છે. આમ પ્રાથમિક વિભાગમાં 960 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. છેલ્લાં 10 વર્ષથી સ્કૂલમાં છોકરીઓની સંખ્યા વધતી જાય છે અને છોકરાઓની સંખ્યા ઘટતી જાય છે, એટલે કે 960માંથી 600 તો વિદ્યાર્થિની છે, એટલે કે પ્રાથમિક સ્કૂલમાં 60 ટકા છોકરીઓ છે અને 40 ટકા છોકરા છે. એવી જ રીતે ધોરણ 9થી 12માં કુલ 750 વિદ્યાર્થી છે, જેમાં કન્યાઓની સંખ્યા 450 છે અને કુમારની સંખ્યા 300 છે, એટલે કે એમાં પણ 60 ટકાથી વધુ છોકરીઓ છે. પરીક્ષાના પરિણામમાં પણ ટોપ થ્રીમાં છોકરીઓ હોય છે. છોકરીઓ ઘરકામ પણ કરતી હોય છે છતાં અભ્યાસમાં અવ્વલ આવે છે.

 

સ્કૂલમાં બાળમંદિર વિભાગ પણ ચાલે છે, જેથી છાણી ગામના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનાં બાળકોને પણ સારું શિક્ષણ મળે એ માટે મંડળ દ્વારા સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ નર્સરી, સિનિયર કેજી અને જુનિયર કેજીના વર્ગ ચલાવાય છે. સામાન્ય રીતે ખાનગી સ્કૂલઓમાં જ્યાં સિનિયર કેજી અને જુનિયર કેજીમાં 40થી 50 હજાર ફી લેવામાં આવે છે ત્યારે અમારી સ્કૂલમાં માત્ર ભોજન સહિત અભ્યાસની વાર્ષિક માત્ર 4 હજાર રૂપિયા જ ફી લેવાય છે.

આચાર્ય અમૃતલાલ પટેલે આગળ જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં ધોરણ 9માં 5 વર્ગ છે, જેમાં સ્કૂલના પ્રાથમિક વિભાગમાંથી પાસ થઇને આવેલા બે વર્ગ સીધા મળી જાય છે. જ્યારે બાકીના ત્રણ વર્ગ આજુબાજુના પિલોલ સરકારી સ્કૂલ, સિસવા સરકારી સ્કૂલ, છાણી કુમાર અને કન્યા સ્કૂલ તેમજ દુમાડની સરકારી સ્કૂલના બાળકો આવે છે. આ વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના હોય છે. 50 બાળકો તો એવા છે કે વિધવા અને ત્યક્તાના સંતાન હોય. આવાં બાળકોને મંડળ દ્વારા પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. જો આવાં બાળકોની સંખ્યા વધુ થાય તો સરકાર પાસેથી મંજૂરી માગીને અમે તેમને સ્કૂલમાં પ્રવેશ આપીએ છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરિણામો આવે ત્યારે ખાનગી અને સરકારી સ્કૂલઓની સરખાણી થાય છે. ધોરણ 12માં અમારી સ્કૂલનું સરેરાશ પરિણામ 90 ટકા આવે છે, પરંતુ અમારી ઇચ્છા છે કે આ પરિણામ 100 ટકા જ આવવું જોઇએ, કારણ કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં પાસ થયા હોય તેઓ ધોરણ 12માં પાસ થઈ જ શકે, પરંતુ કેટલીકવાર એવું બનતું હોય છે કે અભ્યાસમાં થોડા નબળા વિદ્યાર્થીઓ આર્ટ્સને બદલે કોમર્સ વિષય પસંદ કરતા હોય છે અને એને કારણે તેઓ નાપાસ થતા હોય છે. અમારે ત્યાં એવાં બાળકો આવતાં હોય છે, જેઓ અભ્યાસમાં નબળા હોય છે, જેથી ધોરણ 10માં સરેરાશ 50 ટકા પરિણામ આવે છે અને અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે અમારું પરિણામ 70 ટકા ઉપર જાય.

કાદવામાં કમળ ખીલે છે એમ આ સ્કૂલમાં અભ્યાસ કરતી ખેડૂતપુત્રી પટેલ ક્રિમા શૈલેષકુમારે તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12 કોમર્સના બોર્ડની પરીક્ષાના પરિણામમાં 99.78 પર્સન્ટાઇલ સાથે A1 ગ્રેડ હાંસલ કર્યો છે. બે વર્ષ પહેલાં સોલંકી રિપલ નામની વિદ્યાર્થીની ગુજરાતમાં બીજા નંબરે પાસ થઇ હતી. તેના પર્સેન્ટાઇલ 99. 67 હતા અને સરકાર તરફથી સ્કોલરશિપ મળી હતી, જેથી સ્કૂલના મંડળ દ્વારા રિપલના પરિવારને 50 હજાર રૂપિયાનું ઇનામ તેના ઉચ્ચ અભ્યાસ માટે આપ્યું હતું.

ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિશેષ શિષ્યવૃત્તિ માટે સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. એમાં બાળક મેરિટમાં આવે તો દર મહિને એક હજાર રૂપિયા તેના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ રકમ તેને ધોરણ 12 સુધી મળતી રહે છે. અમારી સ્કૂલમાંથી આ પરીક્ષામાં દર વર્ષ 10થી 12 વિદ્યાર્થી મેરિટમાં આવે છે, જેમાં પણ 10માંથી 9 છોકરી પાસ થાય છે, એટલે કે દર વર્ષે સ્કૂલનાં 50 બાળકો સરકાર દ્વારા 6 લાખ રૂપિયાની આવી વિશેષ શિષ્યવૃત્તિ મેળવે છે.

આચાર્ય અમૃતલાલ પટેલે જણાવ્યું હતું કે અમારે ત્યાં જુનિયર અને સિનિયર કેજીમાં 100 વિદ્યાર્થી લેવાના હોય છે એની સામે 150 અરજી આવે છે, પરંતુ અમારી સ્કૂલ મંડળ સંચાલિત હોવાથી અને દાતાઓ દ્વારા બનેલી હોવાથી પહેલી પ્રાથમિકતા છાણી ગામમાં વસતા લોકોનાં બાળકોને આપીએ છીએ અને પછી આજુબાજુના ગામના વિદ્યાર્થીઓને લઇએ છીએ. એટલું જ નહીં, અમે કોઇ ડોનેશન લેતા નથી. ઘણીવાર તો કોઇ વાલીની બદલી થાય તો એકાદ જગ્યા ખાલી પડે તો તેની સામે પાંચ-પાંચ અરજીઓ આવે, જેથી મંડળ કોને એડમિશન આવું તેની મૂંઝવણમાં મુકાય છે.

ધોરણ 1થી 12માં 50 જેટલાં બાળકો વિધવા મહિલાઓના તેમજ ઘણાં બધાં બાળકો ગરીબ હોય છે, જેમનાં માતા-પિતા મજૂરી કરતાં હોય. જેથી આવાં બાળકોને વર્ગમાંથી શોધી કાઢીએ અને સ્કૂલમાં દર વર્ષે લગભગ 500 બાળકોને મફત ગણવેશ આપીએ છીએ. આ ગણવેશ માટે છાણી ગામના દાતાઓ દાન આપે છે અને એ પણ પોતાનું નામ ગુપ્ત રાખીને. અમે કોઇ રોકડ દાન સ્વીકારતા નથી. જો કોઇ દાન આપે તો ચેકથી જ લઇએ છીએ. અમારી સંસ્થાના પ્રમુખ સતીષભાઈ પટેલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ પણ સ્કૂલના વિકાસમાં ખૂબ રસ લે છે. અમારી દર બે મહિને મીટિંગ થાય છે અને સ્કૂલની સુવિધાઓ માટે ચર્ચા થાય છે.

(10:25 pm IST)