Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજપીપળા નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાના સફાઇ કામ માટે CSR પ્રવૃત્તિ હેઠળ રૂા.50 લાખના ખર્ચે રોબોટ મશીન મંજૂર

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત રાજપીપલા નગરવાસી ઓની આરોગ્ય-જનસુખાકારીની વૃધ્ધિ માટેના જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના વધુ એક પ્રયાસને સફળતા:રોબોટ મશીનની સુવિધાને લીધે ગટર સફાઇ કામ માટેનો આર્થિક બોજ ઘટવાની સાથે માસિક રૂા.૧.૫ લાખનો ફાયદો થશે તેમ જણાવતા નગરપાલિકા પ્રમુખ કુલદિપસિંહ ગોહીલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદા જિલ્લામાં કેન્દ્રીય નીતિ આયોગ ધ્વારા નિર્ધારિત વિવિધ ક્ષેત્રનાં નિયત કરાયેલ પેરામીટર્સ મુજબ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા પ્રસાશન ધ્વારા જિલ્લામાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કરાયેલ અનેકવિધ પ્રયાસોના ભાગરૂપે ગુજરાત CSR ઓથોરીટી ધ્વારા રાજપીપલા નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાની સાફસફાઇની કામગીરી માટે રૂા.૫૦ લાખના ખર્ચે રોબોટ મશીન મંજૂર કરવામાં આવ્યું છે. આમ, જિલ્લા કલેક્ટર શાહના રાજપીપલા નગરવાસીઓની આરોગ્ય અને જનસુખકારી માટેની આધુનિક સવલત ઉપલબ્ધિ માટેના વધુ એક પ્રયાસને સફળતા સાંપડી છે.
રાજપીપલા નગરપાલિકા વિસ્તાર માટે ગુજરાત CSR ઓથોરીટી ધ્વારા  મંજૂર થયેલી ઉક્ત સુવિધા સંદર્ભે માધ્યમો સાથેના સંવાદમાં રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શહેરમાં હાલમાં વિકાસના કામો ચાલી રહ્યાં છે. તેમા હાલ ભૂગર્ભ ગટરનું કામ ૮૦ ટકા પૂર્ણ થયેલ છે અને આગામી ત્રણ-ચાર માસમાં આ કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ જશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આગામી મહિનાઓમાં રાજપીપલાની ભૂગર્ભ ગટર યોજના પૂર્ણ થશે ત્યાર પછી તેની ચેમ્બરોની સફાઇ માટે રાજપીપલા નગરપાલિકાને રૂા.૫૦ લાખના ખર્ચે CSR પ્રવૃત્તિ હેઠળ રોબોટ મશીન મંજૂર કરાયું છે અને રાજપીપલાની જનતા આગામી દિવસોમાં મશીનનો થનારો ઉપયોગ જોઇ શકશે. રાજપીપલા શહેરની ગટરની સફાઇ માટે નગરપાલિકા રોજના આશરે ૧૦ જેટલા કર્મચારીઓ લગાડવા પડતા હતા. તેમાંથી નગરપાલિકાને મુક્તિ મળશે અને આર્થિક બોજો હળવો થવાની સાથે નગરપાલિકાને દર મહિને આશરે રૂા.૧.૫ લાખની રકમનો ફાયદો થશે. ગટર સફાઇના રોબોટ મશીનને  લીધે બધુ જ કામ આ રોબોટ મશીન ધ્વારા કરવામાં આવશે. ગુજરાતમાં “ક”-વર્ગની નગરપાલિકા ઓમાં રાજપીપલા નગરપાલિકામાં આગામી દિવસોમાં સૌ પ્રથમવાર રોબોટ મશીનનો ઉપયોગ થવા જઇ રહ્યોં છે, તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
કુલદિપસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટર યોજના આગામી મહિનાઓમાં કાર્યરત થયેથી લોકોની આરોગ્ય અને જનસુખાકારીમાં ખૂબ મોટો ફાયદો થશે.ગોહિલે વધુમાં ઉમેર્યું હતુ કે, રાજપીપલાની શહેરની જનતાને સરકારશ્રી તરફથી ભૂગર્ભ ગટર માટેના ઘરેલું જોડાણ માટે ઘરદીઠ રૂા.૭૦૦૦/- ની રકમ મંજૂર કરવામાં આવી છે. જેથી રાજપીલાની જનતા પર ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ઘરેલું જોડાણ માટેનો કોઇ આર્થિક બોજો પડશે નહીં અને આ તમામ ખર્ચ સરકાર ધ્વારા કરવામાં આવશે. આ અંગે રાજપીપલા નગરપાલિકાની ટીમ ધ્વારા સર્વેની કામગીરી પણ થઇ રહી હોવાની તેમણે જાણકારી આપી હતી.

(10:54 pm IST)