Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

હવે અરવલ્લીમાં પેટ્રોલ-ડીઝલને લઇ અફવા:માલપુરના ગોવિંદપુર પાસે પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઇનો

ખેડૂતોએ ટ્રેક્ટર, બાઇક પર પ્લાસ્ટિકના ડ્રમ લઇ લાઇનો લગાવી: અમરેલી, અમદાવાદની માફક અરવલ્લીમાં પણ પેટ્રોલ-ડિઝલની તંગીની અફવા વહેતી થતાં પેટ્રોલ પંપ પર લોકો ઉમટી પડ્યા

  અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલને લઈને અફવાઓનું બજાર ગરમ થઈ રહ્યું છે. તેવામાં અગાઉ અમરેલીના સાવરકુંડલા ત્યારબાદ અમદાવાદ અને હવે અરવલ્લીમાં પેટ્રોલ-ડીઝલને લઇ અફવા ફેલાઈ હતી. જેને પગલે વાહનચાલકો અને ખેડૂતોએ પેટ્રોલ-ડીઝલ લેવા દોટ લગાવી હતી. જેને પગલે માલપુરના ગોવિંદપુર પાસે પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. જેમાં ખાસ ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કારણ કે, એક બાજુ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. જેથી ખેતીમાં વાવેતર સહિતના કામની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા ખરા ટાણે જ ડીઝલની તંગીની અફવાએ જોર પકડતા ખેડૂતો ટ્રેક્ટર, બાઇક પર પ્લાસ્ટિકના ડ્રમ લઇ પેટ્રોલ-ડિઝલ ખરીદવા ઉમટી પડ્યા હતા.

બે દિવસ અગાઉ એટલે કે ગત તા. 12 ના રોજ ખાડી દેશ દ્વારા ભારતને ઈંધણ આપવાના ઈન્કારની અફવાને પગલે મોડી રાત્રે અમદાવાદ સહિત અન્ય જિલ્લાના પેટ્રોલપંપ પર લાંબી લાઇન લાગી હતી.આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જશે તેવા બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને પગલે ગઇકાલે મોડી રાત્રે આશ્રમ રોડના નહેરૂ બ્રીજ, પાલડી અને APMC પાસેના પેટ્રોલ પંર ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ વાહનો લઇને લાંબી કતારો કરી દીધી હતી. મોડી રાતથી લોકો પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર અને કાર લઇને એકઠા થવા લાગ્યા હતા.જેંને લઈને રસ્તા પર ટ્રાફિક જામ થાય તે રીતે વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. જો કે, પેટ્રોલ પંપના સંચાલકોએ જણાવ્યું હતું કે, પેટ્રોલનો પુરવઠો યથાવત છે.

(11:33 pm IST)