Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

નવસારીમાં દુર્લભ પ્રજાતિના કાચબાનું વેચાણ કરતા શખ્સને વનવિભાગની ટીમેં ઝડપી લીધો

પકડાયેલા આરોપીને વાઇલ્ડ લાઇફને લગતી સામાજિક સેવા કરવાની કોર્ટે ફટકારી સજા

નવસારીના  એક શખ્સને રક્ષિત કાચબા રાખવા ભારે  પડ્યા છે. રૂસ્તમવાડી ખાતે આવેલી મહેક એક્વેરીયમ નામની દુકાનમાંથી વનવિભાગની ટીમે  6 રક્ષિત કાચબાઓ સાથે એકને દબોચી લીધો હતો.જેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે અનોખી કહી શકાય તેવી વાઈલ્ડ લાઈફને લગતી સેવા કરવાની શરતે જામીન આપ્યા હોવાનું સામે આવ્યું છે. 

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર નવસારી નાયબ વન સરંક્ષક સામાજીક વનીકરણ વિભાગના ભાવનાબેન દેસાઇના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગ નવસારીના પી.બી.પાટીલ, રેન્જફોરેસ્ટ સુપાના એચ.પી.પટેલ અને સુપા રેન્જના સ્ટાફે નવસારી ખાતે એક દુકાનમાં દરોડો પડયો હતો. જ્યાં તપાસ દરમિયાન એકવેરીયમ શોપમાંથી 5 ભારતીય સુરજ કાચબા અને એક સ્પોટેડ પોન્ડ ટર્ટલ સહિત કુલ 6 રક્ષિત કાચબા મળી આવ્યા હતા.

જેને પગલે સ્ટાફે મહેક એક્વેરિયમના માલિક તરૂણ કહારની ધરપકડ કરી લીધી હતી. અને વન સરક્ષણના સ્ટાફે કાચબાઓને કબજે કરી લીધા હતા. ત્યારબાદ આરોપીને સજાની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાબતે ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા આરોપીને છ માસ સુધી દર સોમવારે સવારે કચેરીએ હાજરી પુરાવી વાઇલ્ફ લાઇફને લગતી સામાજીક સેવા કરવાની શરત સાથે શરતી જામીન પર મુકત કર્યો હોવાનું જાહેર થવા પામ્યું છે.
 

(11:50 pm IST)