Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

અમદાવાદ મનપાએ વરસાદની પેટર્ન બદલાઇ હોવાથી પાણી ભરાયા હોવાનો રાગ આલાપ્યો

પાણી ભરાતું હોવાનું સ્વીકારી હવે આગામી સમયમાં સ્ટોર્મ વોટર લાઈનનું પાઇપ મોટી નાખવાનું વોટર કમિટીમાં નિર્ણય કરાયો

અમદાવાદ: અમદાવાદમાં રવિવારે સાડા ત્રણ ઇંચ વરસાદમાં શહેર પાણીના બેટમાં ફેરવાઈ ગયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણી ભરાતું હોવાનું સ્વીકાર્યું તેમજ હવે આગામી સમયમાં સ્ટોર્મ વોટર લાઈનનું પાઇપ મોટી નાખવાનું આજે વોટર કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તેમની ભૂલ અને ભ્રષ્ટાચારને કારણે પાણી ભરાયાં હોવાનું સ્વીકારવાને બદલે વરસાદની પેટર્ન બદલાઇ હોવાથી પાણી ભરાઈ ગયા હોવાનો રાગ આલાપ્યો હતો.

શહેરમાં રવિવારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જેના કારણે કેટલાય લોકોના વિહિકલ ઓ બંધ પડી ગયા હતા. તેમજ રાહદારીઓને પણ ચાલવામાં તકલીફ થઈ રહી હતી. જોકે આ વખતે એવી નવી જગ્યાઓ પર પણ પાણી ભરાયાં હતાં જ્યાં ભૂતકાળમાં મુશળધાર વરસાદમાં પણ પાણી ન ભરતા હતા.

આજ મળેલી વોટર કમિટીમાં સભ્યો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે નહેરુ બ્રિજ પાસે પાણી ભરાઈ ગયા હતા ભૂતકાળમાં ક્યારેય પણ નેહરુ બ્રિજ પાસે પાણી ભરાયા હતા વોટર કમિટી ચેરમેન દ્વારા અધિકારીઓને આ અંગે તપાસ કરી પગલાં ભરવા અંગે પણ જણાવવામાં આવ્યું છે.

(10:50 pm IST)