Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રસીકરણ અંગે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી છે : કોંગ્રેસનો મોટો આરોપ

ત્રીજી લહેરની નિષ્ણાંતોએ ભય વ્યક્ત કર્યો છતાં રાજ્ય સરકાર અહંકાર અને જાહેરાતોમાં વ્યસ્ત

અમદાવાદ : રસીકરણ કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મફત રસી બધા માટેની કરોડો રૂપિયાની જાહેરાત અને બીજી બાજુ ખાનગી હોસ્પીટલો દ્વારા દૂધ ઉત્પાદક સંઘ, એ.પી.એમ.સી., કો.ઓપ.બેંક, સહકારી મંડળી અને ઉદ્યોગગૃહોને રસીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા લેખિત સૂચના આપવામાં આવી છે.

ખાનગી દવાખાનાઓમાં વેક્સીનેશન કરાવવા માટે સહકારી સંસ્થાઓના સભાસદો, ખાનગી વેપારી – ઉદ્યોગ યુનિટોના કર્મચારીઓ-સંચાલકો પર દબાણ થઈ રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓના વડાઓને રાજ્ય સરકારે સુચનાઓ આપી છે. બીજીબાજુ રસીકરણ – રાષ્ટ્રીય કાર્યક્રમને બદલે માત્ર જાહેરાતોનો કાર્યક્રમ – સ્વપ્રસિધ્ધીનો કાર્યક્રમ થઈ રહ્યો છે.

ડો. દોશીએ વધુમાં આક્ષેપ કરતાં કહ્યું છે કે, ગુજરાતમાં વિવિધ મહાનગરપાલિકા, નગરપાલિકા અને રાજ્ય સરકારે 20 કરોડ રૂપિયાથી વધુ સ્વપ્રસિધ્ધી જાહેરાતો – હોર્ડીંગમાં ભાજપ સરકારે પ્રજાના નાણાં ખર્ચી નાંખ્યા – વેડફી નાંખ્યા છે.

ગુજરાતમાં મહાનગરો – નગરપાલિકા વિસ્તારોમાં રસીકરણ કાર્યક્રમ ઓછા-વેક્સિનના જથ્થાને કારણે ધીમો પડ્યો છે. ગુજરાતમાં વારંવાર રસીકરણ કેન્દ્રો બંધ કરાયા, 50 ટકા કેન્દ્રો પર રસી અપાતી નથી. ગુજરાતમાં 4.5 કરોડ નાગરિકોને રસીકરણ માટે 9 કરોડ ડોઝની જરૂરિયાત છે, જે સામે રોજ માત્ર 2 લાખ ડોઝ એટલે કે ઓછામાં ઓછા 10 મહિના રસીકરણ પૂર્ણ કરવાનો સમય થશે.

2 કરોડ 53 લાખ 93 હજાર 866 વેક્સીનેશન ડોઝ, દર દસ લાખે 3 લાખ 97 હજાર 572 એટલે કે 39 ટકા જ વેક્સીનેશન જેમાં રસીકરણ અભિયાનની મોટા પાયે જાહેરાતો – સ્વપ્રસિધ્ધ કરનાર ભાજપ સરકારના અણઘડ આયોજનની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 18 થી 45 વય જૂથ માટે રસીકરણ શરૂ થયાના 74 દિવસ જેટલો સમય થયો છે.

18 થી 45 વય જૂથમાં 3.30 કરોડથી વધુ યુવાનોમાંથી અત્યાર સુધીમાં 88,91,387 યુવાનોને જ વેક્સીનેશન (રસીકરણ) થઈ શક્યુ છે. એટલે કે માત્ર 28 ટકાને જ રસીકરણ થયું છે. જેમાંથી માત્ર 2,71,658 જેટલા યુવાનોને રસીના બન્ને ડોઝ મળ્યા છે. ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં રસીકરણ કાર્યક્રમની જાહેરાતો મોટા પાયે અને રસીકરણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ત્રીજા લહેર માટે ખુદ નિષ્ણાંતો, તબીબો, વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે છતાં રાજ્ય સરકાર અહંકાર અને જાહેરાતોમાં વ્યસ્ત છે

(9:48 pm IST)