Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

અમદાવાદમાં કોરોનાનો ઘટતો પ્રભાવ : માઈક્રો કન્ટેનમેન્ટનો ગ્રાફ નીચે સરક્યો :20 વિસ્તારોને દૂર કરાયા : 5 ઉમેરાયા

સૈજપુર વિસ્તારના પ્રભાકર ટેનામેન્ટના 40 મકાનોના 185 રહીશો માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં

અમદાવાદ: રાજ્યમાં કોરોના કેસ ઘટતા જાય છે આજે  મંગળવારના રોજ 1158 કેસો નોંધાયા છે અમદાવાદમાં પણ કેસોની સંખ્યા ઘટતી જાય છે. અમદાવાદમાં કેસોનો આંકડો 163 પર પહોંચ્યો છે. તે જ રીતે અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોનો ગ્રાફ તો એકદમ નીચે જવા પામ્યો છે.

હાલ અમદાવાદ શહેર આખાયમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારનો આંક 100 નજીક પહોંચવા આવ્યો છે. મંગળવારે માત્ર પાંચ જ વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. પાંચ વિસ્તારોમાંથી પશ્ચિમના તથા દક્ષિણના બબ્બે વિસ્તારો જ છે. જયારે ઉત્તરનો એક માત્ર વિસ્તાર છે. આ વિસ્તારોમાં મણિનગર, ઇસનપુર, સાયન્સ સીટી રોડ, વેજલપુર તથા સૈજપુરનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 135 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 20 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 5 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આમ 135 વિસ્તારોમાંથી 20 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 115 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 5 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 120 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ ઝોનના બે વિસ્તારનો સમાવેશ થાય છે. જયારે ઉત્તર તથા ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમના એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં મણિનગર, ઇસનપુર તેમ જ સૈજપુર, વેજલપુર તથા સાયન્સ સીટી રોડ વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં સૈજપુર વિસ્તારના પ્રભાકર ટેનામેન્ટના 40 મકાનોના 185 રહીશો માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 14મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.

(8:26 am IST)