Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ટીબી હારશે દેશ જીતશે : નિયમીત દવા લેવાથી કોઇ પણ પ્રકારનો ટીબી ચોક્કસ મટી શકે છે

સૌનાં સહિયારા પ્રયત્નો થકી જ આપણે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૫ સુધી ગુજરાત રાજ્ય અને સંપૂર્ણ ભારત દેશને ટીબી મુક્ત બનાવી શકીશું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : જનપ્રતિનીધીઓ, સરકારી કર્મયોગીઓ અને જનતા જનાદર્દનનો સહયોગ મળે તો આપણે કોઇ પણ રોગને હરાવવા માટે સક્ષમ છીએ. પોલિયો, શીતળા જેવા રોગોને આપણે સૌ સાથે મળીને ચોક્કસ હરાવી શક્યા છીએ. છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. જો વિશ્વની વાત કરવામાં આવે તો શિતળાનો રોગ ક્યાં પણ જોવા મળી રહ્યો નથી. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ મહામારીનો સામનો કરી રહ્યુ છે. કોરોનાની વેક્સીન આવવાથી ચોક્કસ કોરોના વાયરસને પણ હરાવવાની સફળતા મળશે. વેક્સીન ન આવે ત્યા સુધી આપણે સૌએ કોરોનાથી બચવા માટે જરૂરી સાવધાનીઓ રાખવી જ પડશે. આજે આપણે વાત કરવાના છીએ ટી.બી ના રોગચાળા વિશે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ટી.બી. રોગચાળાને ૨૦૨૫ સુધીમાં નાબૂદ કરવા અંગેની ઘોષણા કરવામાં આવી છે. જે અંતર્ગત  ભારતનો રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન પ્રોગ્રામ (એનટીઇપી) આ મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવા માટે તત્પર છે.

          ટીબીના રોગને ક્ષય નામથી પણ ઓળખવામાં આવે છે. ક્ષયરોગ એ માઇક્રોબેક્ટેરિયમ પ્રકારનાં અતિ સુક્ષ્મ જીવાણુંને કારણે થતો ચેપી રોગ છે. ક્ષય રોગનાં જીવાણું (ટ્યુબરક્યુલબેસિલાઇ) મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે. પરંતુ ધણીવાર તે શરીરના અન્ય ભાગો જેમકે ગ્રંથિઓ, કરોડરજ્જુ, કિડની, આંતરડા, હાંડકા અને સાંધા પર પણ અસર કરે છે. ટીબી હવા ધ્વારા ફેલાય છે. ટીબીનો દર્દી ખાંસે અથવા છીંકે ત્યારે આ બેક્ટેરીયા હવા દ્વારા એક વ્યક્તિમાંથી બીજા વ્યકતીમાં પ્રવેશે છે. જો કોઇ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો તેને ટીબીરોગ થવાની સંભાવના વધી જાય છે. ટીબીની અધુરી અને અપુરતી સારવારથી હઠિલો ટીબી (ડ્રગ રેજીસ્ટેન્ટ) થવાની સંભાવનાં વધી જાય છે. બે અઠવાડિયા કે વધુ સમયથી ગળફા સાથે ખાંસી હોય તો ટીબી હોય શકે છે. આ ઉપરાંત છાતીમાં દુ:ખાવો, ગળફામાં લોહી આવવું, સાંજના સમયે તાવ આવવો, રાત્રિનાં સમયે પરસેવો થવો, વજન ધટવું, ભૂખ ન લાગવી વગેરે લક્ષણો હોય તો ટીબી હોઇ શકે છે. બાળકોમાં વજન ધટવું અથવા વજનમાં વધારો ન થવો, બે અઠવાડિયા કે વધુ સમયથી ખાંસી અથવા તાવ, ગળાનાં ભાગે નાની નાની ગાંઠો થવી, ભૂખ ન લાગવી, સતત માંથાનો દુઃખાવો રહેતો હોય તો ટીબી હોઇ શકે છે. ટીબીનો રોગ વાળ અને નખ સિવાય શરીરનાં તમામ ભાગમાં થઇ શકે છે. ટીબી રોગનાં બે પ્રકાર છે. ફેફસાંનો ટીબી અને ફેફસા સિવાયનો ટીબી જેમકે લસીકાગ્રંથીનો, હાડકાં, સાંધા, આંતરડાનો ચેતાતંત્ર મૂત્ર જનન માર્ગનો ટીબી વગેરે. ૮૦% દર્દીઓમાં ફેફસાનો ટીબી જોવા મળે છે જે ચેપી ટીબી છે. ટીબી રોગનાં નિદાન માટે ગળફાનાં બે નમૂનાનું (વહેલી સવારનો અને તુરંતનો) લઇને માઇક્રોસ્કોપી તથા છાતીનાં એક્ષરે દ્વારા તપાસ થાય છે.  તદ્દઉપરાંત સીબીનાટ, બાયોપ્સી, એફ.એન.એ.સી, સીટી સ્કેન, સોનોગ્રાફી, મોન્ટુક ટેસ્ટ વગેરેથી પણ ટીબીનું નિદાન થઈ શકે છે. વ્યકિત સ્ત્રી હોય કે પુરૂષ, યુવાન હોય કે વૃધ્ધ, ધનવાન હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત કોઇ પણ વ્યક્તિને ગમે ત્યારે ટીબી થઇ શકે છે. ગીચવસ્તી અને પૂરતી હવા ઉજાસ ન હોય તેવી જગ્યાએ રહેતા લોકોને ફેફસાંનો ટી.બી થવાનું જોખમ વધુ રહે છે. આ ઉપરાંત ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા ખાસ કરીને એચઆઇવીગ્રસ્ત અને ડાયાબીટીસ રોગ ધરાવતા લોકોને ટીબી થવાની સંભાવનાં વધુ રહે છે. મદ્યપાન કરતાં, ઇન્જેક્શનથી ડ્રગ લેતા અથવા કેન્સરની કીમો થેરાપી લેતા લોકોને પણ ટી.બી થવાનું જોખમ રહે છે. ટીબી રોગની સારવારનો સમયગાળો ઓછામાં ઓછો છ મહિનાનો હોય છે. જ્યારે હઠિલા ટીબી (ડ્રગ રેજીસ્ટેન્ટ) ટીબીની સારવારનો સમયગાળો ૧૮ થી ૨૪ મહિનાંનો હોય છે. સીધા દેખરેખ હેઠળની ટુંકાગાળાની સારવાર (ડૉટ્સ)એ દુનિયામાં સ્વીકારેલ સારવારની ઉત્તમ પધ્ધતિ છે. જેનો ઉપયોગ ટીબીની સારવારમાં થાય છે. ભારત સરકાર દ્વારા ટીબીનાં તમામ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી જ્યાં સુધી દવા ચાલુ રહે ત્યાં સુધી નિક્ષય પોષણ યોજનાં અંતર્ગત દર મહિને રૂ. ૫૦૦ તેઓના બેન્ક ખાતાંમાં આપવામાં આવે છે. ગુજરાત સરકારનાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ટીબી સહાય યોજનાં અંતર્ગત એસ.સી, એસ.ટી, ઓબીસી અને ઓછી આવક ધરાવતાં ટીબીનાં નવા દર્દીને ૩૦૦૦ રૂપીયા અને એમ.ડી.આર દર્દીને ૧૨૦૦૦ રૂપીયા મળવાપાત્ર છે. ટીબી રોગ અટકાવવા માટે છીંક અથવાં ખાંસી આવે ત્યારે મોં ઉપર રૂમાલ રાખવો, ગળફો ગમે ત્યાં ન થૂંકવો. શક્ય બને તેટલુ વહેલુ નિદાન કરાવવું અને સમતોલ આહાર લેવો ખુબ જરૂરી છે. અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ટીબીની કામગીરીને સુદ્રઠ બનાવવા તથા ટીબીનાં દર્દીઓને મદદરૂપ થવા માટે જેન્સન કંપનીનાં સહયોગથી ફ્રી એક્ષરે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રીઝમ્ટીવ દર્દીઓને વિના મુલ્યે પ્રાઇવેટ એક્ષરે ફેસીલીટીમાંથી ફ્રીમાં એક્ષરેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જેનાં પરિણામ સ્વરૂપે ટીબી નિદાન તેમજ ટીબી નોટીફિકેશનમાં ધણો સુધારો જોવા મળ્યો છે. ફ્રી ઉપરાંત નવીન ટેલી રેડીયોલોજી પ્રોજક્ટ પણ કાર્યરત છે જે અંતર્ગત ટીબીનાં દર્દીઓનાં એક્ષરેનું ટેલી રેડીયોલોજી મારફતે વિના મૂલ્યે નિદાન કરવામાં આવે છે. જેનાં પરિણામો પણ ઘણા ફાયદાકારક છે. અમદાવાદ જિલ્લાનાં જિલ્લા વિકાસ અધિકારી મહેશ અરુણ બાબુ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અમદાવાદ ડૉ. શિલ્પાબેન યાદવ તથા જીલ્લા ક્ષય અધિકારી ડૉ. દિક્ષિત કાપડીયા અમદાવાદ ગ્રામ્યનાં અથાક પરિશ્રમ દ્વારા વર્ષ ૨૦૧૯ અંતર્ગત ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ટીબી નોટીફિકેશન કરાવીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.
          અત્યારે ગુજરાત  સહિત દેશભરમાં કોવિડ-૧૯ રોગચાળાને હરાવવા માટે સરકાર દ્વારા કમર કસવામાં આવી છે અને લોકોને જનજાગૃતિ દ્વારા કોરોના વાયરસથી બચવાના ઉપાયો સમજાવવામાં આવી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને કોરોના વાયરસને હરાવીશુ. પરંતુ કોરોનાની સાથે ટીબી જેવા ગંભીર રોગને પણ ભુલી શકાય તેમ નથી. કોરોનાની જેમ ટીબીના રોગને પણ ગંભીરતાથી લેવાની જરૂર છે. ટીબીનો રોગ ચોક્કસ મટી શકે છે. પરંતુ જો સમયસર ટીબીના રોગનું નિદાન ન કરાવવામાં આવે તો ગંભીર પરીણામ પણ ભોગવવાનો વારો આવી શકે છે. ટીબીની નિયમીત સારવાર લેવામાં ન આવે તો હઠીલો ટીબી થઇ શકે છે અને બેદરકારી રાખવામાં આવે તો મૃત્યુ પણ શઇ શકે છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ટી.બી. રોગચાળાને ૨૦૨૫ સુધીમાં નાબૂદ કરવા અંગેની ઘોષણા કરવામાં આવી છે. પરંતુ ભારત સરકારીની આ ઘોષણાને સત્ય સાબિત કરવાની જવાબદારી ફક્ત ભારત સરકાર, સરકારી કર્મચારીઓની જ નથી પરંતુ સૌ સાથે મળીને પ્રયત્ન કરીશુ તો જ ટી.બી. રોગચાળાને ૨૦૨૫ સુધીમાં નાબૂદ કરવાનું શક્ય બનશે. જો કોઇ પણ વ્યક્તિની બે અઠવાડિયા કે વધુ સમયથી ગળફા સાથે ખાંસી હોય તો ટીબીના રોગની શંકા કરવી જોઇએ. આ ઉપરાંત છાતીમાં દુ:ખાવો, ગળફામાં લોહી આવવું, સાંજના સમયે તાવ આવવો, રાત્રિનાં સમયે પરસેવો થવો, વજન ધટવું, ભૂખ ન લાગવી વગેરે લક્ષણો હોય તો ટીબી હોઇ શકે છે. ટીબી જેવા લક્ષણો દેખાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને નિઃશુલ્ક નિદાન કરાવવું જોઇએ. આપણે સૌ સાથે મળીને લડીશુ અને ટીબીના રોગને હરાવીશું. (માહિતી સ્ત્રોત : ડૉ. દિક્ષિતકુમાર કાપડીયા, જિલ્લા ક્ષય અધિકારી, અમદાવાદ)

(9:15 am IST)