Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વડોદરામાં એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર ત્રણ શંકાસ્પદ ઝડપાયા

૩ શંકાસ્પદને બેંક કર્મચારીઓએ ઝડપી પાડી ગોરવા પોલીસના હવાલે કર્યાં

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં કેનેરા બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર ૩ શંકાસ્પદને બેંક કર્મચારીઓએ ઝડપી પાડી ગોરવા પોલીસના હવાલે કર્યાં હતા. પોલીસે ત્રણેય શખ્સ વિરૂદ્ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  આ અંગેની વિગત મુજબ વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર રહેતા સ્મિત પંડ્યા સુભાનપુરા વિસ્તારના સમતા ચાર રસ્તા પાસે આવેલી કેનેરા બેંકમાં છેલ્લા બે વર્ષથી બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે ગોરવા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૫ ઓક્ટોબરના રોજ તેમની હેડ ઓફિસ બેંગ્લોર ખાતેથી ઈ-મેલ થકી જાણવા મળ્યું હતું કે, અમારી કેનેરા બેંકના એટીએમમાંથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થઇ રહ્યું છે, જેથી બેંક મેનેજર તથા અન્ય શાખાના કર્મચારીઓ સીસીટીવી  કૂટેજની તપાસ શરૂ કરી હતી. જેમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિ વારાફરતી જુદા-જુદા કાર્ડ  નાખી રૂપિયા નહીં હોવા છતાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા જણાઇ આવ્યા હતા, જેથી બેંકના કર્મચારીઓ અને મેનેજર તાત્કાલિક પહોંચી ગયા હતા અને ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને રોકીને પૂછપરછ કરી હતી, જેમાં શાહુકાર મહેમુદખાન પઠાણ અને જાવેદ ઇદ્રીશખાન પઠાણ(રહે, મેવાત, હરિયાણા)હોવાનું જણાવ્યું હતું, જ્યારે અન્ય ત્રીજા વ્યક્તિએ કોઈપણ જાતની હકીકત જણાવી ન હતી. ફરિયાદના આધારે ગોરવા પોલીસે ત્રણેય શખ્સોની ચોરીના પ્રયાસના ગુના હેઠળ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:07 pm IST)