Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

બ્યુટી પાર્લરવાળાઓને લાખોનું નુકશાન

લગ્નગાળો તો ખાલી ગયો હવે નવરાત્રી પણ સુની જશે : ઘર કેમ ચલાવવુ તેવો મહીલા વ્યવસાયકારોને મુંજવતો સવાલ : આણંદમાં ૧૧૫૦ નાના મોટા પાર્લરો છે : બધુ મળીને કરોડોનું નુકશાન : ઘરમાં ચલાવતા નાના બ્યુટી પાર્લરવાળાઓને જ દોઢેક લાખનું અંદાજાતુ નુકશાન

આણંદ : કોરોના મહામારીના કારણે અનેક ધંધા રોજગાર ઠપ્પ થયા તેમાં બ્યુટી પાર્લરના વ્યવસાયને પણ મોટી અસર જોવા મળી છે.

લગ્નગાળાની સીઝનનો લાભ તો ન લઇ શકાયો, હવે નવરાત્રી ગરબા ઉપર બ્યુટીપાર્લરવાળાઓને મોટી આશા બંધાણી હતી. પરંતુ સરકારની કડક ગાઇડ લાઇનના કારણે મોટાભાગના ગરબા આયોજનો બંધ રહેવાના છે. ત્યારે વધુ એક માર બ્યુટી પાર્લરના વ્યવસાયને પડવા જઇ રહ્યો છે.

આણંદની વાત કરીએ તો ૧૧૫૦ જેટલા બ્યુટી પાર્લરના નાના મોટા વ્યવસાયકારો છે. આ લોકોનું કહેવુ છે કે આ વ્યવસાને અંદાજીત ૧૦ કરોડ જેટલુ  નુકશાન નોંધાયુ છે. ઘરમાં રહીને નાનકડો બ્યુટી પાર્લરનો વ્યવસાય ચલાવનારાઓને પણ દોઢેક લાખનું નુકશાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

સૌથી વધુ કમાણી નવરાત્રીમાં હોય છે. ડીસ્કોદાંડીયા રમવા જતી મહીલાઓ તૈયાર થવા પાર્લરમાં આવતી હોય છે. પરંતુ આ વખતે આવા આયોજનો જ બંધ છે.

કરમસદમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય ચલાવતા યોગીતા પટેલે જણાવેલ કે આણંદ જિલ્લામાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન સૌથી વધુ મહીલાઓ તૈયાર થવા માટે આવે છે. આ માટેનું બુકીંગ ૧૫ દિવસ પહેલા જ થઇ જતુ હોય છે. જયારે નોરતાને હવે ગણત્રીના જ દિવસો બાકી હોવા છતા પાર્લરના વ્યવસાયકારો નવરાધૂપ થઇને બેઠા છે.

આમ મહિલા રોજગારને કોવિડ-૧૯ ના કારણે બહુ મોટી અસર થઇ હોવાની ચિંતા વ્યકત કરવામાં આવી છે.

(3:47 pm IST)