Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કાલથી જીટીયુના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

ટેકનીકલ શિક્ષણ થકી યુવાપેઢી સંશોધન કરીને વિકાસમાં સહભાગી થાય અને જીટીયુનું નામ રોશન કરે તેવી કુલપતિ નવીન શેઠની શુભકામના

રાજકોટ, તા.૧૪ : ગુજરાતમાં ટેકનીકલ શિક્ષણના પાયાના મૂળમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં સવિશેષ ફાળો છે. ૪૮૬થી વધુ સંલગ્ન કોલેજ અને ૪ લાખથી વધુ વિદ્યાર્થી ધરાવનાર રાજયની સૌથી મોટી ટેકનીકલ યુનિવર્સિટી તરીકે જીટીયુએ સમગ્ર દેશમાં બહુમાન મેળવ્યું છે.

એકેડેમીક વર્ષ ર૦ર૦-ર૧માં એન્જીનીયરીંગની જુદી જુદી શાખામાં જીટીયુ સંલગ્ન કોલેજમાં પ્રથમ વર્ષમાં તાજેતરમાં જ અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જીટીયુ દ્વારા તા.૧પ ઓકટોબરથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે.

જીટીયુમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ર સપ્તાહ સુધી ડીઝીટલ માધ્યમ થકી ઇન્ડકશન પ્રોગ્રામ યોજાશે. જેમાં પ્રથમ દિવસે કુલપતિ પ્રો. નવીનભાઇ શેઠ, કુલસચિવ ડો. કે.એન. ખેર, ડો. જી.પી. વાડોદરીયા હાજર રહીને સંબોધશે. કુલપતિ પ્રો. નવીન શેઠે આજે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ટેકનીકલ શિક્ષણ થકી યુવાપેઢી નીતનવા સંશોધન કરીને દેશ વિકાસમાં સહભાગી થાય અને જીટીયુનું નામ રોશન કરે તેવી શુભકામના.

(4:00 pm IST)