Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કાપરી નદી ઉપર કોઝ-વે ઉંચો કરવાની માંગ સાથે ડાંગ જિલ્લાના 2 ગામના લોકો દ્વારા પેટાચૂંટણી બહિષ્‍કારની ચિમકી

ડાંગ : રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકો પર આગામી 3જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. ત્યારે નોંધનીય છે કે ભાજપે પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધાં છે. પરંતુ કોંગ્રેસે 5 ઉમેદવારો જ જાહેર કર્યા છે. એવામાં ડાંગ જિલ્લામાં યોજાવા જઇ રહેલ પેટાચૂંટણી મામલે બે ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

આહવા તાલુકાના વાંગણ અને કુતરનાચ્ચા ગામનાં રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. કારણ કે આ ગ્રામજનો દ્વારા અનેક વાર કાપરી નદી ઉપર બનાવવામાં આવેલો કોઝ વે ઊંચો કરવાની રજૂઆત કરાઇ હતી. પરંતુ આજ દિવસ સુધી એ મામલે કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ છે.

ચોમાસા દરમિયાન નદીમાં એકાએક પાણી વધી જતાં સ્થાનિકોએ ભારે હાલાંકીનો સામનો કરવો પડે છે. જેથી ગ્રામજનોએ એવી ચીમકી ઉચ્ચારી છે કે, જો 7 દિવસમાં કોઝ વે ઊંચો કરવા અંગે કામગીરી કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે તમામ 8 બેઠકો પરના ઉમેદવારો જાહેર કરી દીધાં છે. જેમાં લીંબડી, ડાંગ અને ગઢડા બેઠક પર કોંગ્રેસ છોડનારા નેતાઓને ભાજપે ટિકિટ નથી આપી. ડાંગ બેઠકની જો વાત કરીએ તો અહીં ભાજપે વિજય પટેલને મેદાને ઉતાર્યાં છે. નોંધનીય છે કે, વિજય પટેલે ગઈ કાલે વિજય મુહૂર્ત 12:39માં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પહેલાં BJP ઉમેદવાર વિજય પટેલ પ્રજા સામે દંડવત થયા છે. તેમણે ભૂતકાળમાં કોઈ ભૂલચૂક હોય તો માફ કરવા જણાવી વડીલોના આશીર્વાદ લીધા હતાં.

આ સિવાય અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક દિવસથી લીંબડીની બેઠકને લઇ ઉમેદવાર જાહેર કરવામાં ભાજપ-કોંગ્રેસ બંને અસમંજસમાં હતાં. ત્યારે ભાજપે અગાઉની બેઠકોમાં ચર્ચા દરમિયાન નક્કી થયા મુજબ જ જ્ઞાતિવાદને અવગણીને પોતાના જ જૂના જોગી કિરીટસિંહ રાણાને આ બેઠક પરથી ટિકિટ આપી દીધી છે. મંગળવારે મોડી સાંજે કોળી મતદારોની બહુમતી ધરાવતી આ બેઠક માટે ભાજપે ક્ષત્રિય નેતા કિરીટસિંહ રાણાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. પરંતુ કોંગ્રેસ હજી સુધી લીંબડી, ડાંગ અને ગઢડાની બેઠકને લઇ અસમંજસમાં છે.

(4:42 pm IST)