Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નવસારીના મટવાડ ખાતે અંબિકા નદીના બ્રિજ ઉપર એક સાથે ધડાધડ 5 કાર અથડાતા હાઇવે ઉપર ફિલ્‍મી દ્રશ્‍યો સર્જાયાઃ સદ્‌નસીબે જાનહાની નથી

નવસારી : ગુજરાતમાં બેદરકારીથી વાહન ચલાવવાને કારણે અકસ્માત થતા હોવાંની ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે. ત્યારે આજની દોડધામવાળી આ જિંદગીમાં અકસ્માતના બનાવો વધવા લાગ્યા છે. દરરોજના રોડ અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના મટવાડ ખાતે આવેલી અંબિકા નદીના બ્રિજ પર એક સાથે પાંચ કારો અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે. એક સાથે 5 કાર અથડાતા બ્રિજ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં.

આ અકસ્માતને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. જો કે, સદનસીબે અહીં કોઈ જ જાનહાની ન હોતી થઇ. એક સાથે પાંચ કાર એક પછી એક પાછળ અથડાતા લોકો બે ઘડી માટે આ દ્રશ્યો જોવા માટે સ્થંભી ગયા હતાં. મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર નવસારીનાં મટવાડ પાસે અંબિકા નદી પર આવેલા બ્રિજ પર આજે મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પર એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટી ગયું. જ્યાર બાદ કારની પાછળ પૂરપાટ આવી રહેલી એક પછી એક એમ પાંચ કાર એકબીજા સાથે અથડાઈ હતી.

જો કે, આ ઘટનામાં સદનસીબે એક સાથે 5 કારો અથડાઇ હોવા છતાં કોઇ પણ પ્રકારની જાનહાનિ ન હોતી સર્જાઇ. પરંતુ આ બનાવ બાદ ઘટનાસ્થળે ખૂબ ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. તદુપરાંત આ બનાવની જાણ થયા બાદ સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીનાં અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. નેશનલ હાઇવે પર એક પછી એક આ રીતે પાંચ કારો અથડાતા લોકોમાં એક પ્રકારની કુતુહલતા સર્જાતા લોકોની અકસ્માત જોવા લાંબી લાઇનો લાગી ગઇ હતી. અનેક લોકો આ બનાવને પોતાના મોબાઇલમાં પણ કેદ કરી રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દેશમાં રોડ અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બેદરકારીથી વાહન ચલાવવાને કારણે 2019ના વર્ષમાં 6,711 અકસ્માતની ઘટનાઓ ઘટી છે. જેમાં 7,988 લોકોનાં મોત નિપજ્યાં છે. હિટ એન્ડ રનની 966 ઘટનામાં 1129 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય અકસ્માતોમાં 6859નાં મોત થયાં હતાં. ક્રાઈમ ઈન ઈન્ડિયા-2019નાં નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (NCRB) નાં લેટેસ્ટ રિપોર્ટમાં આ અંગેની માહિતી સામે આવી છે. NCRBનાં રિપોર્ટ મુજબ અમદાવાદમાં વર્ષ 2019માં 421 અકસ્માતની ઘટનામાં 442 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે.

સુરત શહેરની વાત કરીએ તો 290 અકસ્માતની ઘટનામાં 301 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. અમદાવાદ શહેર અને સુરત ગ્રામ્યમાં સૌથી વધુ મોત થયાં છે. વર્ષ 2015થી 2019નાં સમયગાળામાં ગુજરાતમાં વાહન અકસ્માતના કારણે 39 હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. એક તરફ સરકાર દ્વારા વાહન ચાલકો પાસેથી દંડની ઉઘરાણી કરવામાં આવે છે પરંતુ અકસ્માત મોત માટેના પગલાં તો જાણે કે માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.

આંકડાઓની જો વાત કરીએ તો વર્ષ 2015માં રાજ્યમાં 8038, 2016માં 8011, 2019માં 7574, 2018માં 8040 લોકોનાં મોત થયા છે. અન્ય એક સરકારી રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2019માં બનાસકાંઠામાં 352, વડોદરા ગ્રામ્યમાં 313 અને વલસાડમાં 347નાં મોત થયાં છે. સુરત શહેરમાં 288, રાજકોટ શહેરમાં 171, વડોદરા શહેરમાં 158, ખેડામાં 241, ગાંધીનગરમાં 229, ભરૂચ 293, ગોધરા 239 લોકોનાં છેલ્લાં એક જ વર્ષમાં મોત નિપજ્યાં છે.

(4:42 pm IST)