Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સુરતના સરથાણા વિસ્તારમાં શોપિંગ સેન્ટરની દુકાનમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી બે મહિલા સહીત બે ગ્રાહકને ઝડપી પાડ્યા

સુરત: શહેરના સરથાણા કેપીટલ પ્લાઝા શોપીંગ સેન્ટરની એક દુકાનમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર સરથાણા પોલીસે મંગળવારે મોડીરાત્રે છાપો મારી બે લલના અને બે ગ્રાહકને ઝડપી પાડી કુટણખાનાના સંચાલક ધરપકડ કરી હતી જયારે માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા પોલીસે મંગળવારે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાંથી મળેલા સંદેશાના આધારે કેપીટલ પ્લાઝા શોપીંગ સેન્ટર દુકાન નં.109 માં આવેલા લકી સ્પામાં રેઇડ કરી હતી. સ્પાની બહાર તાળું હોવા છતાં પોલીસે ખોલાવી અંદર તપાસ કરતા અંદર એક કેબીનમાંથી મૂળ પશ્ચિમ બંગાળની એક લલના અને જામનગરનો એક ગ્રાહક કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જયારે ઓરિસ્સાની એક લલના અને જામનગરનો એક યુવાન સોફા ઉપર બેસેલા મળી આવ્યા હતા. પોલીસે સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા સંચાલક હિતેષકુમાર લાલજીભાઈ પડસાળા ( ઉ.વ.32, રહે.બાપા સીતારામ પાર્કીંગમાં ભૈયાનગર, પુણા ગામ, સુરત. મૂળ રહે.અમરેલી ) ને ઝડપી પાડી કાઉન્ટરમાંથી રોકડા રૂ.1000 અને ત્રણ કોન્ડોમ કબ્જે કર્યા હતા.

પોલીસે હિતેષકુમારની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે સ્પા તેના માલિક દિલીપભાઈ શેલડીયા પાસેથી એક માસ અગાઉ જ ભાડેથી લીધું હતું અને તે મસાજના બહાને ગ્રાહકો બોલાવી કે મસાજ માટે આવતા ગ્રાહકો પાસેથી મસાજના રૂ.1000 અને શરીરસુખ માણવાના રૂ.6000 લેતો હતો. તેમાંથી માત્ર રૂ.1000 તે લલનાઓને આપતો હતો. સરથાણા પોલીસે કુટણખાના અંગે ગુનો નોંધી સંચાલક હિતેષકુમારની ધરપકડ કરી તેના માલિક દિલીપભાઈ શેલડીયાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

(6:01 pm IST)