Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વલસાડ પોલીસે ચોરીની બે મોપેડ અને એક બાઇકનો ભેદ ઉકેલ્યો : વલસાડના જીમનો ટ્રેનર અને ધરમપુરનો સગીરને ઝડપી લેવાયા

વલસાડ સિટી પીઆઇ એચ.જે.ભટ્ટની સૂચના મુજબ હેડ કોન્સ્ટેબલ સંજય કુમાર જયંતિલાલ, કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય, મુકેશ પાંડુરંગ, કિરીટસિંહ દિલિપસિંહ, ઘનશ્યામસિંહ બળવંતસિંહ, હરદિપસિંહ હેતુભા અને બાબુભાઇ ગોરધનભાઇની ટીમની સફળ કામગીરી

( કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડમાં છેલ્લા થોડા સમયથી વધી ગયેલા વાહનચોરીના ત્રાસ સામે વલસાડ સિટી પોલીસે મોટી સફળતા મેળવી છે. સિટી પોલીસે બાતમીના પગલે કૈલાસ રોડ પર ચેકિંગ હાથ ધરી ચોરીની એક્સેસ પર આવતા વલસાડના એ1 જીમના ટ્રેનરને પકડી પાડ્યો હતો. તેની પુછતાછ કરી વધુ એક એક્સેસ અને એક બાઇકની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

  વલસાડ સિટી પીઆઇ ભટ્ટની સૂચના મુજબ હેડ કોન્સ્ટેબલ સંજય કુમાર જયંતિલાલ, કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય, મુકેશ પાંડુરંગ, કિરીટસિંહ દિલિપસિંહ, ઘનશ્યામસિંહ બળવંતસિંહ, હરદિપસિંહ હેતુભા અને બાબુભાઇ ગોરધનભાઇ પેટ્રોલિંગમાં હતા, ત્યારે રાજકુમાર ઉપાધ્યાયને ચોરીની મોપેડ પર સવાર થઇને કોઇ આવતું હોવાની બાતમી મળી હતી. જેના પગલે તેમણે કૈલાસ રોડ પર વોચ ગોઠવી એક એક્સેસ નં GJ15DG1488 ને અટકાવી તેના પર સવાર વલસાડ એ1 જીમના ટ્રેનર જશવંતસિંહ રાકેશસિંહ રાજપુત ને મોપેડ વિશે પુછતાં તે કાગળો રજૂ કરી શક્યો ન હતો. તેમજ બાઇક ચોરીની હોવાની કબૂલાત કરી હતી. તેની પાછળ સવાર એક સગીર યુવાન પર પણ પોલીસને શંકા જતા પોલીસે તેની પુછતાછ કરી તેના ઘરે તપાસ કરતાં તેના ઘરેથી વાંસદાથી ચોરેલી એક એવેન્જર બાઇક મળી આવી હતી. આ કિશોર તેમજ તેના જશવંતસિંહે મળીને વલસાડ નાની ખત્રીવાડમાંથી પણ એક એક્સેસ મોપેડ GJ15DH8133 ચોરી કરી ભરૂચમાં વેંચી દીધી હતી. પોલીસે તેને પણ કબજે કરી હતી. અને આ ચોરીમાં સંડોવાયેલા ભાંભા ગામના અન્ય એક યુવાન ધવનિક ઉર્ફે ધવલ પરેશ સોલંકીને પણ પકડી પાડ્યો હતો.

(6:37 pm IST)