Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

વિદ્યાર્થીઓના ખભે બંદૂક ફોડી કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે

રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૦ થી જીએમઇઆરએસ. સંચાલિત ૮ કોલેજો કાર્યરત કરી તે કોલેજોની મંજૂરી તત્કાલીન કોંગ્રેસ સરકારે જ આપી ત્યારે કોંગ્રેસ ક્યાં હતી : શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

અમદાવાદ :શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે નકારાત્મક રાજનીતિ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવા ટેવાયેલી કોંગ્રેસ વિદ્યાર્થીઓના ખભે બંદૂક ફોડીને રાજનીતિ કરવાનું બંધ કરે. તબીબી શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળે તે માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૦માં જીએમઇઆરએસ. સંચાલિત ૮ કોલેજોની સ્થાપના કરીને અભ્યાસની તકો પૂરી પાડી છે. આ કોલેજોની મંજૂરી તત્કાલીન  કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી હતી ત્યારે કોંગ્રેસક્યાં જઇને સૂઇ ગઇ હતી. અને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જે તકો પૂરી પાડી રહ્યા છે ત્યારે આવા અભ્યાસ વગરના પાયાવિહોણા આક્ષેપો કરે છે તે તદન વાહિયાત અને પાયાવિહોણા છે.

મંત્રીશ્રી એ ઉમેર્યુ હતુ કે, જીએમઇઆરએસ. સંચાલિત કોલેજોની ફી એ રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલપ્રોફેશનલ કોલેજો માટે રચાયેલ ફી નિર્ધારણ કમિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. જે એનઆરઆઇ અને સેલ્ફ ફાઇનાન્સ ક્વોટા કરત ઘણી ઓછી ફી હોય છે.
તેમણે ઉમેર્યુ કે, આ કોલેજોમાં ભરતી માટે નીટ પરીક્ષાના આધારે જ ભરતી કરવામાં આવે છે. જે એડમીશન કમિટીના ધારાધોરણ અનુસાર હોય છે. આ ઉપરાંત જીએમઇઆરએસ. કોલેજમાં સ્ટાફની નિમણૂંકો પણ રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલ નિયમો અને ધારાધોરણના અમલ દ્વારા જ કરવામાં આવે છે. આ કોલેજોના સંચાલક  અને ફી  અંગેની  બાબત હાઇકોર્ટમાં  સબજ્યુડીશીયલ મેટર હોઇ કોંગ્રેસે  આવા આક્ષેપો કરવા હિતાવહ નથી તેમ તેમણે ઉમેર્યુ હતુ.

(9:22 pm IST)